રેલવે પાંચ વર્ષમાં ૧૫૦ અબજ યૂએસ ડોલરનું મૂડીરોકાણ કરશે

મુંબઈ – રેલવે પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું છે કે રેલવે તંત્ર આવતા પાંચ વર્ષના સમયગાળામાં ૧૫૦ અબજ યૂએસ ડોલરથી વધારે રકમનું મૂડીરોકાણ કરશે અને એનાથી દેશભરમાં ૧૦ લાખ જેટલી નવી રોજગારની તકોનું નિર્માણ થશે.

ગયા ઓગસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કેબિનેટના ફેરફારોમાં રેલવે ખાતું મેળવનાર ગોયલે કહ્યું છે કે હું ભારતીય રેલવેને નવી દિશા આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

અહીં આયોજિત એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં એમણે કહ્યું કે, આવતા પાંચ વર્ષોમાં રેલવે ૧૫૦ અબજ યૂએસ ડોલરનું મૂડીરોકાણ કરવા ધારે છે અને એમાંથી દસ લાખ જેટલી નવી નોકરીઓનું નિર્માણ થશે. લોકોને સુરક્ષિત અને આરામદાયક પ્રવાસ કરાવવા માટે રેલવે તંત્ર સરકારના એજન્ડાને આક્રમક રીતે હાથ ધરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. માળખાકીય સવલતો પણ એ રીતે ઊભી કરવામાં આવશે કે જેથી સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારી શકાય.

૨૦૧૫માં ગોયલના પુરોગામી સુરેશ પ્રભુએ એમ કહ્યું હતું કે રેલવે આવતા પાંચ વર્ષમાં ૮.૫ ટ્રિલિયન રૂપિયાનું મૂડીરોકાણ કરશે. હવે ગોયલનું ૧૫૦ અબજ યૂએસ ડોલરનું મૂડીરોકાણ પ્રભુના રૂ. ૮.૫ ટ્રિલિયન મૂડીરોકાણની યોજનાનો જ એક ભાગ છે કે કેમ એ હજી સ્પષ્ટ થયું નથી.