કેન્સલ કરાયેલી ટિકિટે ભારતીય રેલવેને કરાવી 13.94 અબજની કમાણી

નવી દિલ્હી- ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ઘણા લોકો તેમના પ્રવાસ માટે એડવાન્સ ટિકિટ પણ બુક કરે છે. પરંતુ ઘણી વખત તેમને પ્રવાસની અનુકૂળતા નહીં હોવાને કારણે અમુક સમયે ટિકિટ કેન્સલ કરવાની ફરજ પડે છે. આ કેન્સલ કરાયેલી ટિકિટ્સ રેલવેને કમાણી કરવાની તક આપે છે.રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ માગવામાં આવેલી માહિતીથી જાણવા મળ્યું છે કે, નાણાંકીય વર્ષ 2017-18માં પ્રવાસીઓ દ્વારા કેન્સલ કરવામાં આવેલી ટિકિટ્સમાંથી ભારતીય રેલવેને 13.94 અબજ રુપિયાની કમાણી થઈ હતી.

RTI દ્વારા આપવામાં આવેલા જવાબમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ગત નાણાંકીય વર્ષ દરમિયાન રેલવેનો પ્રવાસી ચાર્ટ તૈયાર થયા બાદ વેઈટિંગ લીસ્ટમાં રહેલા પ્રવાસીઓ દ્વારા તેમની ટિકિટ રદ્દ કરવામાં આવી ત્યારે આ રદ્દ કરાયેલી ટિકિટથી રેલવેને 88.55 કરોડની કમાણી થઈ હતી.

આપને જણાવી દઈએ કે, ભરતીય રેલવે તેની આવક વધારવા માટે સતત નવા સાહસો રજૂ કરી રહી છે. ઉપરાંત પ્રવાસીઓની સુખાકારીમાં વધારો કરવા પણ ભારતીય રેલવે સતત કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓની સુવિધા માટે ભારતીય રેલવેએ ગત બે મહિનામાં ત્રણ નવી એપ્લિકેશન્સ લૉન્ચ કરી છે.

જેમાં રેલ મદદ અને UTC એપ્લિકેશન ઉપરાંત મેનૂ ઓન રેલ એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે. રેલ મદદ એપ દ્વારા આપ પ્રવાસ દરમિયાન થતી તમારી ફરિયાદોને રેલવેના ધ્યાન પર મુકી શકો છો. UTC એપ દ્વારા પ્રવાસી અનઆરક્ષિત ટિકિટ બુક કરી શકે છે. ઉપરાંત ‘ફૂડ ઓન રેલ’ એપ દ્વારા તમે ભોજન ઓર્ડર કરી શકો છો.