મને પૈસાથી ખાસ લગાવ નથી: વિશ્વના ધનવાનોમાં શામેલ થનાર NRI જય ચૌધરી

નવી દિલ્હી: ભારતીય મૂળના જય ચૌધરી વિશ્વમાં અબજોપતિઓના લિસ્ટમાં સામેલ થયાં છે. જય ચૌધરી સાઈબર સિક્યોરિટી કંપની જીસ્કેલરના ફાઉન્ડર છે. કેટલાક દાયકાઓ પહેલાં જય ચૌધરી અમેરિકાની સિલિકોન વેલીના સૌથી અમીર લોકોની યાદીમાં જાણીતા થયાં હતાં. તમેની કંપનીની કુલ વેલ્યૂ 3.4 અબજ ડોલર છે. જય ચૌધરીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે રુપિયા નહીં, પરંતુ ઈન્ટરનેટને વધુને વધુ સુરક્ષિત કરવાના જુસ્સા પાછળ દોડી રહ્યાં છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ, છેલ્લાં 1 વર્ષમાં ચૌધરીની સાથે સાથે અન્ય 6 સાયબર સિક્યોરિટી ક્ષેત્રના દિગ્ગજોની કુલ સંપત્તિ અંદાજે 10 અબજ ડોલર પર પહોંચી છે.

જય ચૌધરી કહે છે કે, હું કયારેય પૈસા પાછળ નથી દોડયો, માટે અત્યાર સુધીમાં સફળ રહ્યો છું. મારા અંદર માત્ર એક જ જૂસ્સો છે, કે હું દરેક કારોબારી માટે ઈન્ટરનેટ અને ક્લાઉડ સર્વિસ કેવી રીતે વધુને વધુ સુરક્ષિત બનાવી શકું.

જીસ્કેલર ગત વર્ષે માર્ચમાં અમેરિકાના શેરબજારમાં લિસ્ટ થઈ હતી. પ્રથમ દિવસે શેર 106 ટકા ઉછળ્યો હતો. તે દિવસની ક્લોઝિંગ પ્રાઈસથી અત્યાર સુધીમાં શેરે 50 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. શેરબજારમાં કંપનીની માર્કેટ કેપ 6 અબજ ડોલર છે.

જય ચૌધરીએ 10 વર્ષ પહેલાં જીસ્કેલર કંપની શરૂ કરી હતી. અગાઉ તેમણે 4 સ્ટાર્ટઅપ વેચ્યાં હતાં. તેમણે સિનસિનાટી યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ અને કમ્પ્યૂટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. તે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં પણ અભ્યાસ કરી ચૂક્યાં છે.

આજે પણ તેમના વતન સાથે છે લગાવ

અબજો ડોલરના માલિક હોવા છતાં પણ જય ચૌધરી કહે છે કે, આટલું બધુ હોવા છતાં પણ મારામાં કોઈ ફેરફાર નથી થયો. હું આજે પણ ભારતમાં હિમાલય વિસ્તારમાં સ્થિતિ મારા ગામની મુલાકાત લઉં છું, જ્યાં મે જન્મ લીધો હતો. મારા માટે ખુશી એક મનોદશા છે અને પૈસાથી મને કોઈ ખાસ લગાવ નથી.