સરકારે ભાગેડુઓ પર ગાળીયો કરવાનો રસ્તો શોધી કાઢ્યો

નવી દિલ્હીઃ સરકારે માર્ચમાં લોકસભામાં જણાવ્યું હતું કે એવા 31 સંદિગ્ધ છે જે બેંકો પાસેથી પૈસા લીધા બાદ વિદેશ ભાગી ગયા છે. વિદેશ રાજ્ય પ્રધાન એમજે અકબરે સંસદમાં આ ભાગેડુ લોકોના નામ આપ્યા હતા. આમાં પીએનબી ફ્રોડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો પણ સમાવેશ થાય છે.

આ લિસ્ટમાં નીરવ મોદીની પત્ની, તેનો દીકરો, વિજય માલ્યા, લલિત મોદી, અને હથિયાર તસ્કર સંજય ભંડારીનો પણ સમાવેશ થાય છે. દેશ છોડીને ભાગવા પાછળ એ પણ કારણ છે કે તેમને પકડાઈ જવાનો ડર હોય છે અને તપાસ કરી રહેલી એજન્સીને તેના રેકોર્ડ અને અન્ય એજન્સિઓ દ્વારા કરવામાં આવેલી તપાસ મામલે ખૂબ ઓછી જાણકારી હોય છે.

પરંતુ હવે આમ કરવું શક્ય નથી. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર એવું માસ્ટર લીસ્ટ બનાવશે કે જેમાં તમામ આવા અપરાધિઓના નામ હશે. આ લિસ્ટ કોઈ આરોપીની દેશ છોડીને ભાગવાની સંભાવનાઓ જણાવશે. જે તપાસ એજન્સી કોઈ વ્યક્તિની તપાસ કરી રહી હશે તેને ખ્યાલ હશે કે પહેલા કોઈ એજન્સી તપાસ કરી ચૂકી છે અને તેના કયા પરિણામો આવ્યા છે.

સરકારે તમામ કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને પ્રવર્તન એજન્સીઓને લિસ્ટ તૈયાર કરવા જણાવ્યું છે. CEIB પણ આ લિસ્ટ તમામ તપાસ એજન્સીઓની મદદથી બનાવશે. ફ્રોડ કરનારા લોકો પર ગાળીયો કસવા માટે સરકાર ઘણા પગલા ભરી રહી છે. સંસદમાં આવા અધિકારીઓ માટે કાયદો પાસ કરવામાં આવ્યો છે જેનાથી તેમને ભારત પાછા લાવી શકાય.