2017-18માં જીડીપીનું અનુમાન ઘટાડીને 6.5 ટકા કરાયું

0
1818

નવી દિલ્હી- નાણાકીય વર્ષ 2017-18માં દેશનો જીડીપી ગ્રોથ 6.5 ટકા રહી શકે છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(સીએસઓ)એ આજે શુક્રવારે એડવાન્સમાં અંદાજો જાહેર કર્યા હતા. સરકાર તેની પ્રક્રિયા વીતેલા વર્ષની શરૂઆતથી કરે છે. આ પહેલાં નિષ્ણાતો  7 ટકાની નીચે રહેવાનું અનુમાન જાહેર ચૂક્યાં છે.વર્ષ 2016-17માં જીડીપી ગ્રોથ દર 7.1 ટકા રહ્યો હતો. નોટબંધી અને જીએસટી પછીની અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતીને પગલે જીડીપી ગ્રોથ ઘટીને આવ્યો છે, અને 2017-18 માટે જીડીપી 6.5 ટકા રહેવાનો અંદાજ જાહેર થતાં કેન્દ્ર સરકાર માટે ઝટકા સમાન છે. આ આંકડા પછી ભારતની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે.

સીએસઓ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં આ વર્ષે સરકાર માટે સારા સમાચાર પણ બહાર આવ્યા છે. 2017-18 દરમિયાન પ્રતિવ્યક્તિ આવકમાં 5.3 ટકાનો વધારો થવાનું અનુમાન રજૂ કરાયું છે. નવા આંકડામાં વર્ષ 2017-18 માટે જીવીએ એટલે કે ગ્રોસ વેલ્યુ એડેડનું અનુમાન ઘટાડીને 6.1 ટકા કરી દીધું છે. પહેલા આરબીઆઈએ વર્ષ 2017-18 માટે જીવીએ 6.7 ટકા રહેવાનો અંદાજ રજૂ કર્યો હતો. જીડીપીમાંથી ટેક્સ ઘટાડી દઈએ તો જીવીએ આવે છે.

આજે પ્રકાશિત થયેલા આંકડા દેશની અર્થવ્યવસ્થા માટે સારા સંકેતો નથી. કેન્દ્રની મોદી સરકાર માટે ચિંતાજનક છે. હાલ સરકાર 2018-19 માટે બજેટ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે હવે સરકારને આ આંકડાથી નવી રણનીતિ બનાવવામાં મદદ મળશે. બે મહિના પહેલા સરકારે ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસમાં ભારતની રેન્કિંગમાં સુધારો થતાં વાહવાહી મેળવી હતી. પણ તાજા આંકડાથી સરકાર પરેશાન થઈ ગઈ છે.