ICICI બેંકે એફડીના વ્યાજ દરોમાં કર્યો વધારો

નવી દિલ્હીઃ આઈસીઆઈસીઆઈ બેંકે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે સીલેક્ટેડ ટર્મ ડિપોઝિટ્સ પર વ્યાજ દરોમાં 0.15 ટકાથી 0.25 ટકા સુધીનો વધારો કર્યો છે. વધેલા વ્યાજ દરો 14 ઓગષ્ટથી લાગુ થશે.

આ સાથે જ બેંકે જણાવ્યું છે કે બેંકના જેટલા પણ કર્મચારી છે તેમને 1 કરોડ રુપિયાથી ઓછી એફડી પર 1 ટકા વધારે વ્યાજ મળશે. નવા એફડી રેટ જનરલ નાગરીકોની સાથે વરિષ્ઠ નાગરિકો માટે પણ લાગૂ થશે.

આઈસીઆઈસીઆઈ બેંક પહેલા ભારતીય સ્ટેટ બેંક, એચડીએફસી બેંક અને કનારા બેંકે પણ એફડી રેટ્સમાં બદલાવ કર્યો છે. બેંકો દ્વારા આ નિર્ણય આરબીઆઈ દ્વારા વ્યાજ દર વધારવામાં આવ્યા બાદ કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે 1 ઓગષ્ટના રોજ મૌદ્રિક નીતિની જાહેરાત કરી હતી. આમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા સાથે જ રેપો રેટ 6.50 ટકા પર પહોંચી ગયો હતો.

ભારતીય સ્ટેટ બેંકે આરબીઆઈના વ્યાજ દરોમાં બદલાવ કરવાના બે દિવસ પહેલા જ એફડી રેટ્સમાં બદલાવ કર્યો હતો. એસબીઆઈએ 31 જુલાઈના રોજ 1 કરોડ રુપિયાથી ઓછાની ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ્સના રેટ્સ બદલ્યા હતા. આમાં 5 થી 10 બેસિસ પોઈન્ટનો બદલાવ કરવામાં આવ્યો હતો.