ખોટી રીતે NRI સ્ટેટસ બતાવનારા લોકો પર ઈનકમ ટેક્સવિભાગે ગાળીયો કસ્યો…

નવી દિલ્હીઃ ખોટા NRI સ્ટેટસ બતાવનારા લોકો પર આવકવેરા વિભાગ દ્વારા ગાળીયો કસવામાં આવ્યો છે. આવકવેરા વિભાગની તપાસ શાખા એનઆરઆઈના રેસિડેન્શિયલ સ્ટેટસને ઝીવણટભરી રીતે ચકાસી રહી છે. ઘણાં NRIsને છેલ્લાં પાંચ-છ વર્ષની ટેક્સ આકારણી ફરી ખોલવા નોટિસ મળી છે. રેસિડન્ટ વ્યક્તિ વિદેશમાં 182 દિવસથી વધુ સમય રહે તો તેને NRI સ્ટેટસ મળે છે. કાયદામાં જણાવ્યા અનુસાર વ્યક્તિ જે તે વર્ષમાં 60 દિવસથી વધુ સમય અને એ વર્ષની અગાઉના ચાર વર્ષમાં 365 દિવસ ભારતમાં રહ્યો હોય તો તે રેસિડન્ટ ગણાય છે.

ટેક્સની ગંભીર અસરને કારણે ઘણા ભારતીયો સાવચેતીપૂર્વક તેમનો સમય ભારત અને વિદેશમાં વહેંચે છે. NRIએ ભારત બહારની આવક પર ટેક્સ ભરવો પડતો નથી. જોકે, રેસિડન્ટે વિદેશમાં મળેલી આવક પર પણ ટેક્સ ચૂકવવો પડે છે. આ સ્થિતિમાં NRI સ્ટેટસનો દાવો કરનારાઓની કરચોરી મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સલાહ આપે છે કે, વ્યક્તિએ હોસ્પિટલાઇઝેશન કે લગ્ન જેવાં વાજબી કારણોસર ભારતમાં 182 દિવસથી વધુ સમય રહેવું પડ્યું હોય તો પણ તેને રાહત નહીં મળે. રેસિડન્ટ્સની વિદેશી આવક પર કર લેવાનો ચૂકી ન જવાય એ માટે આવકવેરા વિભાગે આક્રમક નીતિ અપનાવી છે.

NRIsને ઘણી નોટિસ બજેટના મહિના પહેલાં ફટકારવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2018-’19 માટેના ટેક્સ રિટર્નમાં NRIsએ અગાઉના ચાર વર્ષમાં ભારતમાં વિતાવેલા સમયની વિગત આપવાની રહેશે.