ખરાબ સ્થિતિમાં મુકાયેલી કંપનીઓ પર નિર્ણય લેવા માટે પ્રતિનિધિને પસંદ કરી શકશે હોમબાયર્સ

નવી દિલ્હીઃ ઈન્સોલ્વન્સીની કાર્યવાહીનો સામનો કરી રહેલી કંપનીઓના ડિપોઝિટર્સ અને હોમબાયર્સને એક નવી સવલત આપવામાં આવી છે. હવે તેઓ કમિટી ઓફ ક્રેડિટર્સ સમક્ષ ત્રણ ઈન્સોલ્વન્સી પ્રોફેશનલ્સની પેનલમાંથી પોતાના પ્રતિનિધિને નોમિનેટ કરી શકશે. સીઓસી જ એ સંસ્થા છે કે જે ખરાબ સ્થિતીમાં રહેલી કંપનિઓ અંગે નિર્ણય લે છે. આ પગલું ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં સંશોધન બાદ ભરવામાં આવ્યું છે. જેપી ઈન્ફ્રાટેક અને આમ્રપાલી ગ્રુપ જેવી કેટલીક રિયલ એસ્ટેટ કંપનિઓ વિરૂદ્ધ કાર્યવાહીને ધ્યાનમાં રાખતા આ નિર્ણયો લેવામાં આવ્યા છે જેનાથી ઘર ખરીદી કરનારા લોકોના હિતોનું રક્ષણ થઈ શકે.

હવે ખરાબ સ્થિતીમાં મુકાયેલી કંપનીઓ પર નિર્ણય લેવામાં કમિટી ઓફ ક્રેડિટર્સમાં ઘર ખરીદી કરનારા લોકોનું પ્રતિનિધિત્વ હશે. આ પહેલા આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે લેન્ડર્સ બેંક કે જેમનું એકલાનું પ્રતિનિધિત્વ હોય છે તે લોકો જાતે જ એવી ડીલ કરી લેશે કે જેનાથી અન્ય હિતધારકોની અવગણના થઈ શકે છે.

ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઈંડિયા દ્વારા નોટિફાઈડ કરવામાં આવેલા નિયમો અંતર્ગત ક્રેડિટર્સની પ્રત્યેક કેટેગરી જેમાં ઓછામાં ઓછા 10 વ્યક્તિ કે સંસ્થાઓ હોઈ શકે છે તેમને સીઓસીમાં પોતાનું પ્રતિનિધિત્વ નોમિનેટ કરવાની તક પ્રાપ્ત થશે.