ગૃહમંત્રાલયે ઈન્ફોસિસ ફાઉન્ડેશનનું રજિસ્ટ્રેશન રદ કર્યું

નવી દિલ્હી- ગૃહમંત્રાલયે  બિન સરકારી સંસ્થા (NGO) ઈન્ફોસિસ ફાઉન્ડેશનનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે. મંત્રાલયે  વિદેશી ડોનેશન (ચંદા) મેળવવામાં નિયમોનું કથિત રીતે ઉલ્લંઘન કરવાના મામલે આ નિર્ણય લીધો છે. અધિકારીઓએ બેંગ્લુરુની આ સંસ્થા સામે કાર્યવાહી અંગે જાણકારી આપી હતી.

વિદેશમાંથી ફંડ પ્રાપ્ત કરનાર બિન સરકારી સંસ્થાઓ વિદેશી ફંડ (ફાળો) અધિનિયમ (FCRA) હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. સંગઠને દર વર્ષે નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ આ પ્રકારના કોઈ પણ ફંડની જાણકારી નવ મહિનાની અંદરમાં સરકારને આપવાની હોય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગૃહમંત્રાલયે ઈન્ફોસિસ ફાઉન્ડેશનને ગત વર્ષે કારણદર્શક નોટિસ ઈશ્યૂ કરી હતી. સંગઠને વિદેશી ફંડની પ્રાપ્તિ અને ખર્ચનો છેલ્લાં કેટલાક વર્ષોનો હિસાબ સરકાર સમક્ષ રજૂ ન હતો કર્યો. અનેકવાર રીમાઇન્ડર પત્ર મોકલવા છતાં સંસ્થા દ્વારા યોગ્ય માહિતી ન રજૂ કરવાને કારણે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. ઈન્ફોસિસ ફાઉન્ડેશનનો સંપર્ક કરવા પર તેમણે કહ્યું કે, અમે એફસીઆરએ રજિસ્ટ્રેશન રદ કરવા માટે જાતે જ ગૃહમંત્રાલયમાં આવેદન કર્યું હતું, ત્યાર બાદ ગૃહમંત્રાલયે આ કાર્યવાહી હાથ ધરી હતી.

મહત્વનું છે કે, ઈન્ફોસિસ ફાઉન્ડેશન વર્ષ 1996થી શિક્ષણ, ગ્રામીણ વિકાસ, આરોગ્ય સેવા, કલા અને સંસ્કૃતિ વગેર ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે. ફાઉન્ડેશનના માહિતી અધિકારી ઋષિ બસુએ કહ્યું કે, એફસીઆરએમાં 2016માં કરેલા સુધારા પછી અમારું સંગઠન આ અધિનિયમ હેઠળ સમાવિષ્ટ નથી થતું. તેમણે વધુમાં કહ્યું કે, અમે મંત્રાલયનો સંપર્ક કરીને આ અંગે વિચાર કરવા કહ્યું હતું. અરજી સ્વીકાર કરવા માટે અમે મંત્રાલયને ધન્યવાદ પાઠવીએ છીએ. તમને જણાવી દઈએ કે, ઈન્ફોસિસના સ્થાપક અને ચેરમેન એન આર નારાયણમૂર્તિના પત્ની સુધા મૂર્તિ આ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે. ગૃહમંત્રાલયે ગત વર્ષે 1755 બિન સરકારી સંગઠનોને નોટિસ પાઠવી હતી, જેમાંથી કેટલીક કંપનીઓ પણ છે.