શેરબજારમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભારે વેચવાલી, સેન્સેક્સ 244 પોઈન્ટ ડાઉન

અમદાવાદ– શેરબજારમાં નવા વર્ષ 2018ના પ્રથમ દિવસે નરમાઈભર્યો માહોલ રહ્યો હતો. એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી વચ્ચે શેરોના ભાવ ફલેટ ખુલ્યા હતા. જો કે તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલી ચાલુ રહી હતી. પરિણામે શેરોના ભાવ એકતરફી ઘટ્યા હતા. ફિસ્કલ ડેફિસીટ વધીને આવી અને ક્રૂડ ઓઈલના ભાવ પણ વધ્યા હતા. જેથી શેરબજારમાં દરેક ઊંચા મથાળે સેલીંગપ્રેશર આવ્યા કરે છે. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 244.08(0.72 ટકા) ઘટી 33,812.75 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 95.15(0.90 ટકા) ઘટી 10,435.55 બંધ થયો હતો.હેવીવેઈટ શેરોમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ ટેકનોલોજી, એચડીએફસી બેંક, ટીસીએસ, ઓએનજીસી, એચડીએફસી, એસબીઆઈ, એચયુએલના જેવા શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી માર્કેટ અને ઈન્ડેક્સ ઝડપથી તૂટ્યા હતા. એશિયાઈ સ્ટોક માર્કેટમાં મજબૂતી હતી, છતાં ભારતીય શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં ટ્રેડ કરતાં હતા. પરિણામે શેરબજારનું સેન્ટિમેન્ટ બપોર બાદ વધારે ખરડાયું હતું. માર્કેટમાં અત્યાર સુધી એકતરફી તેજી થઈ હતી, જેથી માર્કેટ હાઈલી ઓવરબોટ પોઝીશનમાં આવી ગયું હતું. આમ પ્રોફિટ બુકિંગથી ટેકનિકલ કરેક્શન આવ્યું હતું. અને 2018ના નવા વર્ષની પ્રથમ ટ્રેડિંગ સેશનમાં જ સેન્સેક્સ અને નિફટી ઘટ્યા હતા. તેજીવાળા ઓપરેટરોનું પ્રોફિટબુકિંગ આવ્યું હતું. સાથે એફઆઈઆઈની પણ વેચવાલી હોવાના સમાચાર હતા.

  • એફઆઈઆઈએ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 5,900 કરોડ રૂપિયાનું ચોખ્ખુ વેચાણ કર્યું છે.
  • એફઆઈઆઈનું 2017ના વર્ષમાં કુલ રૂપિયા 51,000 કરોડથી વધુ રોકાણ આવ્યું છે.
  • આજે ઓટોમોબાઈલ, બેંક, એફએમસીજી, આઈટી, ટેકનોલોજી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • જ્યારે કેપિટલ ગુડઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલીના ટેકાથી મજબૂતી હતી.
  • રોકડાના પસંદગીના શેરોમાં નવી લેવાલી રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 13.43 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 49.24 પ્લસ બંધ હતો.
  • ડિસેમ્બરમાં મારૂતિના વેચાણમાં 10.3 ટકાનો વધારો
  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણમાં 8 ટકાનો વધારો
  • એસબીઆઈએ બેઝ રેટ 0.30 ટકા ઘટાડીને 8.65 ટકા કર્યો
  • ગાયત્રી પ્રોજેક્ટને રૂપિયા 583 કરોડનો ઓર્ડર મળ્યો
  • બંધન બેંકે આઈપીઓ લાવવા માટે અરજી કરી
  • આરબીઆઈએ 28 ડિફોલ્ટરોની બીજી યાદીમાં બેંકોને 26 ડિફોલ્ટરો સામે કાર્યવાહી કરવા માટેની યાદી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં મોકલી છે.