નાના વેપારીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાં રાહત, જાણો વધુ વિગતો…

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની આજે થયેલી 32મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંતર્ગત 40 લાખ સુધીના ટર્નઓવર ધરાવતાં વેપારીઓનો જીએસટીમાં સમાવિષ્ટ નહી થાય. જીએસટી પરિષદે કમ્પોઝિશન યોજનાનો લાભ ઉઠાવવા માટે વાર્ષિક વ્યાપાર સીમાને એક કરોડથી વધારીને દોઢ કરોડ કરી દીધી છે.

આ સુધારો એક એપ્રિલથી પ્રભાવી થશે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાંપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે બે પ્રકારની છૂટ લિમિટ હશે. પહેલી 40 લાખના ટર્નઓવર સુધી રહેશે. બીજી નાના રાજ્યોને છૂટ 10 લાખની જગ્યાએ 20 લાખ કરી દેવામાં આવી છે.

જેટલીએ જણાવ્યું કે જીએસટી કમ્પોઝિશન યોજનાનો લાભ લેનારી કંપનીઓને માત્ર એક જ વાર્ષિક રિટર્ન દાખલ કરવાનું રહેશે જ્યારે ટેક્સ ચૂકવણી દરેક ત્રિમાસિક ગાળામાં એકવાર કરી શકશે. તેમણે જણાવ્યું છે કે જીએસટી પરિષદમાં રીયલ એસ્ટેટ તેમજ લોટરી પર જીએસટીને લઈને મતભેદ સામે આવ્યા બાદ આના પર વિચાર કરવા માટે પ્રધાનોનો સમૂહ બનાવવામાં આવ્યું છે.

નાણા મંત્રાલયે જણાવ્યું કે જીએસટી પરિષદે કેરળને બે વર્ષ માટે રાજ્યની અંદર વેચાણ પર એક ટકા સેસ લગાવવાની મંજૂરી આપી છે. તેમણે જણાવ્યું કે જીએસટીથી છૂટ માટે વાર્ષિક વ્યાપાર સીમાને વધારીને 40 લાખ રુપિયા કરવામાં આવી છે જ્યારે પૂર્વોત્તર રાજ્યો માટે આ સીમા 20 લાખ રુપિયા કરવામાં આવી છે.

અરુણ જેટલીએ જણાવ્યું કે જીએસટી પરિષદે કંપોઝિશન યોજનાનો લાભ ઉઠાવવા માટે વાર્ષિક વ્યાપાર સીમાને એક કરોડથી વધારીને દોઢ કરોડ રુપિયા કરી છે આ એક એપ્રિલ 2019થી પ્રભાવી થશે.