સરકારે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવું ન જોઈએઃ સંસદીય સમિતિની સલાહ

નવી દિલ્હી – ટ્રાન્સપોર્ટ, ટૂરિઝમ અને કલ્ચર અંગેની સંસદીય સ્થાયી સમિતિએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર એર ઈન્ડિયા કંપનીમાં પોતાનો હિસ્સો વેચી દે એ માટેનો આ યોગ્ય સમય નથી.

સમિતિએ કહ્યું છે કે એર ઈન્ડિયાને પુનઃ ચેતનવંતી કરવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ આપવા જોઈએ. એર ઈન્ડિયા આપણું રાષ્ટ્રીય ગૌરવ છે અને આપણી આ રાષ્ટ્રીય એરલાઈનમાંથી હિસ્સો વેચી દેવા કરતાં સરકારે કોઈક અન્ય વિકલ્પ વિશે વિચારવું જોઈએ.

સમિતિએ એ વાતની નોંધ લીધી છે કે દેશમાં કે વિદેશમાં જ્યારે કોઈ કુદરતી આફત આવી પડી હોય કે કોઈ સામાજિક કે રાજકીય અસંતોષની તાકીદની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે એર ઈન્ડિયાએ ખરે ટાણે મદદ કરી છે.

સમિતિએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે એર ઈન્ડિયાએ એની કામગીરી, દેખાવમાં એકંદર સુધારો દર્શાવ્યો છે અને તે નિર્દેશ કરે છે કે એરલાઈન આર્થિક કટોકટીમાંથી બહાર આવી રહી છે.