જે શહેરમાં વીજળીની ચોરી ઓછી હશે ત્યાં 24 કલાક મળશે વીજળીઃ સરકારની આ છે યોજના

નવી દિલ્હીઃ હવેથી એવા જિલ્લાઓને 24 કલાક વીજળીની સુવિધા આપવામાં આવશે કે જ્યાં 15 ટકાથી ઓછી વીજળીની ચોરી થઈ રહી છે. હકીકતમાં અત્યારે પણ કેટલાય રાજ્યોમાં વીજળીની ચોરી પર કંટ્રોલ ન કરી શકવાના કારણે સરકારે આ નિર્ણય કર્યો છે. પહેલા જ મોદી સરકારે પાવર ફોર ઓલ મિશન અંતર્ગત 2019 સુધીમાં આખા દેશમાં 24 કલાક વીજળી આપવાનો વાયદો કર્યો હતો. સરકારે આ દિશામાં પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીને એ જિલ્લાઓનો ડેટા એકત્ર કરવા માટે જણાવવામાં આવ્યું છે કે જ્યાં 15 ટકાથી ઓછી વીજળીની ચોરી થતી હોય.સીઈએ દ્વારા વીજળીનો સપ્લાય પુરો પાડતી દેશની તમામ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ એ જિલ્લાના નામ મોકલે કે જ્યાંના એટીએન્ડસી લોસ 15 ટકાથી ઓછા છે. તો આ સાથે જ ડિસ્કોમ્સને એ પણ પૂછવામાં આવ્યું છે કે જે જિલ્લામાં એટીએન્ડસી લોસ 15 ટકાથી ઓછા છે એ જીલ્લાઓમાં અત્યારે કેટલા કલાક વિજળી પ્રાપ્ત થાય છે તેની માહિતી આપવામાં આવે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડિસ્કોમ્સ પાસેથી વર્ષ 2016-17,2017-18 અને 2018-19નો ડેટા માંગવામાં આવ્યો છે. ગત બે વર્ષમાં સરેરાશ એટીએન્ડસી લોસ સીવાય ચાલુ વર્ષની માસીક એવરેજ આપવાની રહેશે. સુત્રોના જણાવ્યા અનુસાર ગત દિવસોમાં પાવર મિનિસ્ટર આરકે સિંહ અને સીઈએ અધ્યક્ષ રવિન્દ્ર વર્મા વચ્ચે એક મીટિંગ યોજાઈ હતી. મીટિંગ દરમિયાન સિંહે જણાવ્યું કે જ્યાં એટીએન્ડસી લોસનો ટાર્ગેટ પ્રાપ્ત કરી લેવામાં આવ્યો છે ત્યાં 24 કલાક વિજળી ઉપ્લબ્ધ થવી જોઈએ.