65 લાખ ટેક્સ ચોર સરકારના નિશાને, તમામ લોકો પર ગાળીયો કસાશે

નવી દિલ્હીઃ વધારેમાં વધારે લોકોને ટેક્સ ચુકવવા માટે પ્રેરિત કરવાની કેન્દ્ર સરકારની પહેલ રંગ લાવી રહી છે. નાણાકિય વર્ષ 2017-18 દરમિયાન સરકારને ડાયરેક્ટ ટેક્સના રૂપમાં 1.5 લાખ કરોડ રૂપિયા જેટલો વધારે ટેક્સ મળ્યો છે. તો આ સાથે જ રીટર્ન ફાઈલ કરનારા નવા લોકોની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો છે. સરકાર અત્યારે આ ટેક્સપેયર બેઝને વધારે વધારવાની કોશિષ કરી રહી છે અને 65 લાખ એવા લોકો રડારમાં છે જેમના પર શંકા છે કે તેમણે ગત વર્ષે ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું. સરકારને આશા છે કે ટેક્સપેયર બેઝ વધીને 9.3 કરોડથી વધારે થશે.

સરકારનું માનવું છે કે 2016માં નોટબંધીના પરિણામોમાં ટેક્સ ફાઈલ કરનારા લોકોની સંખ્યા વધી છે. નોટબંધી સીવાય લક્ષિત લોકોને ટેક્સ્ટ મેસેજ અને ઈમેલ્સ દ્વારા રિમાઈન્ડર મોકલવા માટે પણ ટેક્સપેયર બેઝને વધારવામાં મદદ મળી છે. અધિકારીઓનું કહેવું છે કે આશરે 1.75 કરોડ સંભવિત કરદાતાઓને ટેક્સ્ટ મેસેજ મોકલવા અને ઈમેલના માધ્યમથી રિમાઈન્ડર મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 1.07 કરોડ લોકોએ સ્વેચ્છાએ અત્યાર સુધી રિટર્ન ફાઈલ કર્યું છે, આ ઉપાયોનો સહારો લઈને આ સંખ્યા હજી વધે તેવી આશાઓ છે.

કેટલાક સંભવિત કરદાતાઓને નોન ફાઈલર્સ મેનેજમેન્ટ સિસ્ટમના માધ્યમથી ટાર્ગેટ કરવામાં આવશે. એનએમએસના ઉપયોગથી ટેક્સ ડિપાર્ટમેન્ટને ટેક્સપેયર બેઝ વધારવામાં ગત કેટલાક વર્ષોમાં સફળતા પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને આની મદદથી એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવશે જે લોકોએ જૂના 500 અથવા 1000 રૂપિયાના 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે મુલ્યના પૈસા જમા કરાવ્યા હતા. પરંતુ પોતાનું રિટર્ન ફાઈલ નહોતું કર્યું. આ કેટેગરીના 3 લાખથી વધારે લોકો છે, જેમાંથી 2.10 લાખ લોકોએ પોતાનું રિટર્ન ફાઈલ કર્યું છે અને સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ રૂપે આશરે 65,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે.