જેટ એરવેઝ મામલે સરકારના હસ્તક્ષેપની ફડણવીસે કર્મચારીઓને ખાતરી આપી

મુંબઈ – આર્થિક દેવામાં ડૂબી ગયેલી અને ભંડોળ ન મળવાના અભાવને કારણે હાલ વિમાન સેવા સ્થગિત કરવાની ફરજ પડેલી જેટ એરવેઝ કંપનીના કર્મચારીઓનું એક પ્રતિનિધિમંડળ આજે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યું હતું.

કર્મચારીઓએ ફડણવીસને વિનંતીસહ એમ કહ્યું હોવાનું મનાય છે કે, ‘અમે ઓછા પગારે કામ કરવા તૈયાર છીએ, પણ જેટ એરવેઝને પુનર્જિવીત કરવા કંઈક કરવું જોઈએ.’

મુખ્ય પ્રધાને એમને ખાતરી આપી હતી કે સરકાર ચોક્કસપણે આ મામલે હસ્તક્ષેપ કરશે, પરંતુ લોકસભાની ચૂંટણી 23 મેએ પૂરી થઈ જાય તે પછી.

23 મેએ લોકસભા ચૂંટણીમાં મતગણતરી કરાશે અને પરિણામ જાહેર કરવામાં આવશે.

જેટ એરવેઝ ખાનગી ક્ષેત્રની ટોચની ફૂલ-સર્વિસ એરલાઈન છે, પરંતુ આર્થિક સંકટમાં ફસાઈ જવાથી એને ગઈ 17 એપ્રિલથી એની વિમાન સેવા કામચલાઉ ધોરણે બંધ કરી દેવી પડી છે.

એને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે બિડિંગ પ્રક્રિયા હાલ ચાલી રહી છે, અંતિમ બિડર્સના નામ ટૂંક સમયમાં જ, મોટે ભાગે 18 મેએ જાહેર કરવામાં આવે એવી ધારણા છે.