નવી ટેલીકોમ પોલિસીઃ 40 લાખ નવી નોકરીની તકો ઉભી થશે

નવી દિલ્હીઃ સંચાર પ્રધાન મનોજ સિન્હાએ જણાવ્યું કે નવી ટેલીકોમ પોલિસીને આવતા મહિનાના અંત સુધીમાં કેબિનેટ પાસેથી મંજૂરી મળવાની આશા છે. ગત ચાર વર્ષમાં મંત્રાલયના કામકાજની ઉપલબ્ધિઓ જણાવતા સિન્હાએ જણાવ્યું કે અમને આશા છે કે કેબિનેટ એનડીસીપી પર જૂલાઈના અંત સુધીમાં મંજૂરી આપી દેશે.નેશનલ ડિજિટલ કમ્યુનિકેશન પોલિસી પર સરકારી ખર્ચ 2009-14માં 9000 કરોડ રૂપીયાથી વધીને 2014-19 60,000 કરોડ થઈ શકે છે. થોડા સમય પહેલા જ સરકારે એનડીસીપી જાહેર કર્યું હતું. આ પોલીસીનો ઉદ્દેશ્ય પ્રત્યેક પરિવારને 50 એમબીપીએસ ડાઉનલોડ સ્પીડ ઉપ્લબ્ધ કરાવવાનો છે. તો આ સાથે જ આનાથી સેક્ટરમાં આશરે 6.50 લાખ કરોડનું રોકાણ અને નોકરી માટેની 40 લાખ જેટલી નવી તકો ઉભી થશે.

સિન્હાએ જણાવ્યું કે જ્યારે આ સરકાર સત્તામાં આવી ત્યારે ટેલિકોમ સેક્ટર મોટી મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું. સ્ટોક હોલ્ડર વચ્ચે ભરોસાની ઉણપ હતી. પરંતુ અમે આ લોકોના ઉઠી ગયેલા વિશ્વાસને પુન સ્થાપિત કર્યો છે અને સ્ટોક હોલ્ડર્સનો વિશ્વાસ અત્યારે આ સેક્ટરમાં વધી રહ્યો છે.

તો પોસ્ટ વિભાગ મામલે તેમણે જણાવ્યું કે વિભાગને ઈંડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની 650 શાખાઓ શરૂ કરવા માટે રિઝર્વ બેંકની મંજૂરીની રાહ છે. જે ધીમે ધીમે તમામ 1.5 લાખ પોસ્ટ ઓફિસ શાખાઓ સાથે જોડાઈ જશે અને દેશનું સૌથી મોટું બેંકિંગ નેટવર્ક બનાવશે. તેમણે જણાવ્યું કે પોસ્ટ વિભાગ અલગથી વીમા કંપની બનવવા પર કામ કરી રહ્યું છે.