સરકારી પેટ્રોલિયમ કંપનીઓ ખોલશે 25 હજાર નવા પેટ્રોલ પંપ

0
1142

નવી દિલ્હીઃ સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ દેશભરમાં 25 હજાર જેટલા નવા પેટ્રોલપંપ ખોલવાની યોજના બનાવી છે. પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ પેટ્રોલ પંપ ડીલરોની નિયુક્તિ પર સરકારી પોલિસીને પણ રદ કરી દીધી છે. જેનાથી સરકારી પેટ્રોલ કંપનીઓ, ઈન્ડિયન ઓઈલ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમને પેટ્રોલ પંપ ખોલવા માટે પોતાના નિયમો બનાવવાની છૂટ મળશે.

મિનિસ્ટ્રીએ નવા પેટ્રોલ પંપ ડીલરોની નિયુક્તિ માટે ગત મહિને કંપનીઓને પોતાની ગાઈડલાઈન્સ તૈયાર કરવાની મંજૂરી આપી હતી. આ કંપનીઓએ સરકારને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની રીટેલ પ્રાઈઝ પર સરકારી નિયંત્રણ હટાવ્યા બાદ ડીલરોની નિયુક્તિ માટે સરકારની ગાઈડલાઈનની જરુરિયાત નથી રહી. આ કંપનીઓએ પોતાની ગાઈડલાઈન્સ તૈયાર કરી લીધી છે અને તે અનુસાર જ નવા ડીલરોની નિયુક્તિ કરવામાં આવશે.

આ ત્રણેય કંપનીઓ એક મહીનામાં જાહેરાત આપીને 25 હજાર જેટલા સ્થાનો પર પેટ્રોલ પંપ ખોલવા માટે અરજીઓ મંગાવશે. આમાંથી મોટાભાગના પેટ્રોલ પંપ ગ્રામીણ વિસ્તારોમાં જ હશે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓ અત્યારે લગભગ 57 હજાર અને પ્રાઈવેટ કંપનીઓ આશરે 6 હજાર જેટલા પેટ્રોલ પંપ ચલાવે છે.