સરકારે 5G અને વાઈફાઈ માટે 5 GHZ બેન્ડના સ્પેક્ટ્રમ કર્યા લાઈસન્સ ફ્રી

નવી દિલ્હીઃ સરકાર પાંચ ગીગાહર્ટ્ઝ બેન્ડમાં વાઈફાઈ માટે લાઇસન્સિંગ માટે સ્પેક્ટ્રમ છૂટા કરવાની તૈયારીમાં છે. તેની સાથે તે ટેલિકોમ કંપનીઓ માટે 5જી સર્વિસ પણ અંશતઃ ધોરણે મુક્ત કરશે. 5,150થી 5,250 મેગાહર્ટ્ઝના બેન્ડ, 5,250-5,350 મેગાહર્ટ્ઝ અને 5,725-5875 મેગાહર્ટ્ઝના સ્પેકટ્રમની રેન્જ માટે કોઈ પરવાનગીની જરૂર નહીં પડે.

સરકારી જાહેરનામા મુજબ ઇન્ડોર અને આઉટડોર એન્વાયર્મેન્ટ પ્રસ્થઆપિત કરવા, જાળવવા, કામ કરવા, કોઈપણ પ્રકારના વાયરલેસ ઇક્વિપમેન્ટની માલિકી કે ડીલ કરવાના હેતુથી લો પાવર વાયરલેસ એક્સેસ સિસ્ટમ્સ માટે કોઈ મંજૂરીની જરૂર નહી પડે.

તેમા રેડિયો લોકલ એરિયા નેટવર્કનો સમાવેશ થાય છે, જે 5150-5250 મેગાહર્ટ્ઝ, 5250-5350 મેગાહર્ટ્ઝ, 5470-5725 મેગાહર્ટ્ઝ અને 5725-5875 મેગાહર્ટ્ઝના બેન્ડમાં કામ કરે છે. આ પગલાના લીધે સમગ્ર દેશમાં વાઈફાઈ સર્વિસને વેગ મળશે અને 5જી ઇકોસિસ્ટમને પણ વેગ મળશે.

ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનના નેજા હેઠળના એપીટી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી એસએન ગુપ્તાએ જણાવ્યું હતું કે 5.1થી 5.3 ગીગાહર્ટ્ઝ અને 5.7થી 5.8 ગીગાહર્ટ્ઝને ફ્રીકવન્સી રેન્જનો સમગ્ર વિશ્વામાં વાઈફાઈ તરીકે ઉપયોગ થાય છે.

સરકારે આ બેન્ડને ડી-લાઇસન્સ કર્યા તે પ્રશંસનીય પગલું છે. 5.3થી 5.7 ગીગાહર્ટઝ માટેની ફ્રીકવન્સી રેન્જનો ઉપયોગ 5જી સર્વિસિસ તરીકે કરી શકાય છે. 5 ગીગાહર્ટ્ઝ સ્પેકટ્રમ ફ્રીકવન્સીનો ઉપયોગ ટૂંકી રેન્જના કમ્યુનિકેશન્સ જેવા કે એપાર્ટમેન્ટ કે શોપિંગ સેન્ટરની અંદર કવરેજ માટે કરી શકાય છે.

સરકાર ભારત નેટ હેઠળ સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોમાં એક કરોડ વાઈફાઈ હોટસ્પોટ લાવવા આયોજન કરી રહી છે. આ સિવાય સરકાર 5જી સર્વિસના ફિલ્ડ ટ્રાયલ્સનું પણ આયોજન ધરાવે છે, જેથી દેશમાં તેની ઇકોસિસ્ટમ તૈયાર કરી શકાય.