વીમા બ્રોકીંગમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી આપવા સરકાર દ્વારા વિચારણા

નવી દિલ્હી : સરકાર વીમા બ્રોકિંગમાં 100% વિદેશી સીધા રોકાણને મંજૂરી આપવા વિચારી રહી છે. નાણામંત્રાલય અને ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બનેલી સમિતિ આ વિચારની સમીક્ષા કરશે, એમ વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં, વીમા ઉદ્યોગમાં ઓટોમેટિક રૂટ હેઠળ 49% એફડીઆઇની છૂટ છે, જેમાં વીમા બ્રોકિંગ કંપનીઓનો સમાવેશ થાય છે.

એક સરકારી અધિકારીએ આ પહેલા વાતની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, ટુંક સમયમાં જ આર્થિક બાબતોના મંત્રાલય અને નાણાકીય સેવા વિભાગ ડીઆઈપીપીના અધિકારીઓની મિટિંગ બોલાવવામાં આવશે. ઈન્સ્યોરન્સ બ્રોકીંગમાં 100 ટકા એફડીઆઈ માટે પ્રપોઝલ ઘણું જુનું છે. એના માટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરે અમુક વાંધા ઉઠાવ્યા હતા. એટલે આ બાબતે આખરી નિર્ણય પહેલા ઉચ્ચ સ્તરે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યું છે.

ઈન્સ્યોરન્સ બ્રોકીંગ ફર્મના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલની એફડીઆઈ પોલિસી બ્રોકર્સ, ફાઈનાન્શિયલ ઈન્ટરમિડીયરીઝની જેમ છે અને આમાં ફુલ એફડીઆઈની મંજુરી છે. ઈન્સ્યોરન્સ બ્રોકર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા એ પણ એફડીઆઈ મર્યાદા વધારવાનો વિરોધ કર્યો છે. ઘણાં બ્રોકર્સ આ પ્રસ્તાવનો વિરોધ કરે છે. જો કે, દેશમાં વીમા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને વર્ષ 2003 પછી કામકાજ શરૂ કર્યું હતું. આ બ્રોકરો વિદેશી પાર્ટનર તેમને ઓવરટેક કરી લે એવું જરા પણ નથી ઈચ્છતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઈન્સ્યોરન્સ બ્રોકીંગમાં એફડીઆઈ વધારવાનો આધાર છે. જો આ ક્ષેત્રમાં વધુ રોકાણ થાય છે તો આનાથી ઈન્સ્યોરન્સ સેક્ટરમાં પ્રવેશ મેળવવા પ્રોત્સાહન મળશે. તેમ જ એસોટેમ એપીએએસ સ્ટડી મુજબ, દેશની ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રી 2019-20 સુધી 280 અરબ ડોલર થવાની આશા છે. હાલમાં થયેલ આર્થિક સર્વે જણાવે છે કે દેશમાં લાઈફ ઈન્સ્યોરન્સ 2.72 ટકા અને જનરલ ઈન્સ્યોરન્સ પેનિટ્રેશન ફક્ત 0.77 ટકા છે.