ફ્રી કૉલ, સસ્તા ડેટા પછી હવે ટેલિકોમ કંપનીઓ નવી ઓફર ઘડી રહી છે

નવી દિલ્હી- મોબાઈલ ફોન ઉપયોગ કરતા લોકો માટે વધુ સારા દિવસો આવી રહ્યા છે. અત્યારે ઈન્ટરનેટ ડેટાના ભાવ બહુ સસ્તા થઈ ગયા છે. મોટાભાગના પ્લાનમાં કૉલીંગ પણ ફ્રી થઈ ગયું છે. આવનારા સમયમાં યૂઝર્સને અન્ય પણ કેટલીક ભેટ મળી શકે છે. ટેલિકોમ કંપનીઓ વધારેમાં વધારે ગ્રાહકો બનાવવા માટે અને પોતાની સાથે પહેલેથી જોડાયેલા ગ્રાહકોને પકડી રાખવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મની સાથે વધારેમાં વધારે કરાર કરશે. આ કરાર બાયર્સ અને સેલર્સ બંન્ને લોકો માટે ફાયદાકારક રહેશે.

મોબાઈલ કંપનીઓ, એનાલિસ્ટ અને આ સેક્ટરના જાણકારોના કહેવા પ્રમાણે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ સ્માર્ટફોન અને ડેટા યૂઝ વધારવા માટે વધારેમાં વધારે ગ્રાહકો પ્રાપ્ત કરવા માટે હેન્ડસેટ મેકર્સ સાથે પાર્ટનરશિપ કરી રહી છે, પરંતુ નવા ગ્રાહકો બનાવવા માટે અને રેવન્યૂ માર્કેટ શેર વધારવા માટે તેમણે જીઓની રીત અપનાવવી પડશે. જીઓએ ગત સપ્તાહે સબસ્ક્રાઈબર્સ માટે કેશબેક અને ડિસ્કાઉંટ ઓફરનો નવો રસ્તો ખોલ્યો છે. તેમણે વધુ આવક આપતાં ગ્રાહકો માટે કેટલાક ડિજિટલ વૉલેટ્સ અને એક ટ્રાવેલ પોર્ટલ દ્વારા આ ઓફર આપી છે. જિઓ સામે ટક્કર ઝીલવા માટે હવે અન્ય ટેલિકોમ કંપનીઓ નવો વ્યૂહ ઘડી રહી છે.