પાછું ખેંચાયું FRDI બિલ, બેંકગ્રાહકોને હતો નાણાં ડૂબવાનો ડર

નવી દિલ્હીઃ એક એવું બિલ કે જે બિલ આવ્યાં પહેલાં જ દેશભરના બેંક કસ્ટમર્સમાં ગભરાટ ફેલાવી ગયું હતું તે FRDI બિલને કેન્દ્ર સરકારે પાછુ ખેંચી લીધું છે. કેન્દ્ર સરકારે FRDI બિલને લોકસભામાંથી પાછું ખેંચી લીધુ છે. આપને જણાવી દઈએ કે 2017ના ઓગસ્ટ મહિનામાં FRDI બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બિલને સંયુક્ત સંસદીય સમિતિને રીફર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે નાણાંપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર બિલ પાછું લઈ રહી છે.

પ્રસ્તાવિત બિલના પ્રાવધાનના કારણે દુવિધા અને આશંકાઓનો માહોલ બની ગયો હતો. આમાં બેંકોને દેવાદાર થવાથી બચાવવા માટે લાયબિલિટીઝને રાઈટ ડાઉન કરવાનો પ્રસ્તાવ હતો જેની વ્યાખ્યા કેટલાક લોકોએ બેલ-ઈનના રુપે કરી હતી. આના કારણે મોટાભાગના લોકોને લાગ્યું કે બેંકોમાં પડેલા તેમના પૈસા ડૂબી શકે છે. ઘણાં રાજ્યોમાં લોકોએ એટીએમમાંથી પૈસા ઉપાડવાની શરૂઆત પણ કરી દીધી હતી જેના કારણે બજારમાં પૈસાની તંગી પણ સર્જાઈ હતી.

જો કે બાદમાં એ સ્પષ્ટતા કરવામાં આવી કે જે પ્રાવધાનને લઈને વિવાદ સર્જાયો તે પહેલાંથી ઉપ્લબ્ધ છે. અત્યારે પણ બેંક ડિપોઝિટર્સને 1 લાખ રૂપિયા સુધીની રકમ પર જ DICGC આપે છે. બેંક ખાતામાં જમા 1 લાખ રૂપિયાથી ઉપરની જેટલી રકમ વધે છે તેના માટે ડિપોઝિટર્સનો ક્લેમ અનસિક્યોર્ડ ક્રેડિટર્સની બરાબર માનવામાં આવે છે. આ પ્રકારની આશંકાઓ વચ્ચે ઓથોરિટીઝે બેંકોમાં જમા પૈસા માટે સિક્યોરિટી કવર વધારવા પર પણ વિચાર કર્યો હતો. પરંતુ અંતે તે બિલને જ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ બિલને પાછું ખેંચી લેવામાં આવતા લોકોને હાશકારો થયો છે.