સરકાર અને દેશના અર્થતંત્ર માટે રાહત, રેટિંગ એજન્સી ફિચે દેશનું GDP અનુમાન વધાર્યુ

નવી દિલ્હી- વૈશ્વિક માર્કેટમાં સતત વધી રહેલા ક્રૂડના ભાવને કારણે મોંઘવારી અને દેશની વેપાર ખાધમાં વધારો થશે તેવી આશંકા અને રૂપિયાનો ઘસારો દેશના અર્થતંત્રને હલાવી રહ્યો છે, તેવા સમયે જ રેટિંગ એજન્સી ફિચે આપેલ એક અહેવાલમાં સરકાર અને દેશની ઈકોનોમી માટે રાહત પણ છે.

વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે આજે ભારતનો વૃદ્ધિ દર ચાલું નાણાંકીય વર્ષ માટે 7.4 ટકાથી વધારીને 7.8 ટકા કર્યો હતો. ચાલુ વર્ષ માટેનું અનુમાન વધારતાની સાથે આગામી બે નાણાંકીય વર્ષ અને વૈશ્વિક સ્તરે ઉભી થયેલ પરિસ્થિતિને દેશનું અર્થતંત્ર પહોંચી વળશે કે કેમ તે અંગે પણ ચિંતા વ્યકત કરી હતી.

ફિચે ચાલુ નણાંકીય વર્ષ માટે વિકાસ દરનું અનુમાન વધાર્યું પરંતુ, આગામી બે વર્ષ માટેના અનુમાનમાં ઘટાડો કર્યો છે. રેટિંગ એજન્સીના અહેવાલ અનુસાર નાણાંકીય વર્ષ 2019-20 અને 2020-21 માટે જીડીપીનો લક્ષ્યાંક 0.20 ટકા ઘટાડી 7.3 ટકા કર્યો છે.

એજન્સીએ ચેતવણી આપી હતી કે ઊંચકાઈ રહેલ ક્રૂડ ઈમ્પોર્ટ બિલ અને ઉંચા વ્યાજદર ભારતની ચિંતામાં વધારો કરી શકે છે. ફિચે પોતાના ગ્લોબલ ઇકોનોમિક્સ આઉટલુકમાં કહ્યું હતું કે માંગમાં વધુ પડતા દબાણ અને રૂપિયાના ઘસારાથી રિઝર્વ બેંકના મોંઘવારીના આંકડા સામાન્ય વધારવા પડી શકે છે.

નાણાંકીય વર્ષ 2018-19ના બીજા ત્રીમાસિકગાળામાં દેશમાં વિકાસની ઝડપ વધશે અને આગામી વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેથી સરકાર પણ ઈન્ફ્રા અને અન્ય ખર્ચ વધારશે. એશિયાઈ દેશોમાં ભારતીય ચલણ રૂપિયો સૌથી વધુ ખરાબ પ્રદર્શન કરનાર કરન્સી છે. આરબીઆઈના અથાગ પ્રયત્નો છતા વ્યાજદરમાં એકતરફી વધારો થઈ રહ્યો છે, રૂપિયાનો ઘટાડો અટકી નથી રહ્યો અને મોંઘવારી હાલ કાબૂમાં પણ છે પણ આગામી સમયમાં તે પણ વકરવાની આશંકા ફિચે વ્યકતકરી હતી.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ-જુન ત્રિમાસિકગાળા માટે ફિચે દેશના અર્થતંત્રમાં 7.7 ટકાની વૃદ્ધિનું અનુમાન લગાવ્યું હતુ, જે વાસ્તવિક આંકડામાં 8.2 ટકા રહ્યું હતું. પ્રથમ કવાર્ટરના જીડીપી આંકડાએ અનુમાન કરતા સારું પ્રદર્શન કરતા ફિચે ભારતનું જીડીપી અનુમના સુધારવું પડ્યું છે, તેમ માર્કેટ એક્સપર્ટસનું માનવું છે.