રૂપિયો નબળો પડવાથી રાજ્યોને રૂ. 22,700 કરોડના વેરાની આવકનો લાભ મળશે

મુંબઈ – સરકાર હસ્તકની અગ્રગણ્ય બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એક રિસર્ચ અહેવાલમાં જણાવાયું છે કે યુએસ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અભૂતપૂર્વ રીતે ઘસાતાં અને ઈંધણના ભાવ ઉછળવાનું ચાલુ રહેતાં રાજ્યોને મહેસુલી આવકનો લાભ મળશે.

એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યોને વર્તમાન નાણાકીય વર્ષ માટે બજેટના અંદાજોથી વધારે, આશરે રૂ. 22,700 કરોડનો કરવેરા પેટે લાભ થશે.

આ રાજ્યોમાં સૌથી વધારે લાભ મહારાષ્ટ્રને થશે, કારણ કે ત્યાં પેટ્રોલ પર વેલ્યૂ એડેડ ટેક્સ (VAT)નો દર સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર પ્રતિ લીટર 39.12 ટકા વેટ વસૂલ કરવામાં આવે છે.

મહેસુલી આવકમાં સૌથી ઓછો લાભ ગોવાને થશે. એને માત્ર 16.66 ટકા આવક મળશે.

યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો આજે વધારે નબળો પડ્યો છે અને પ્રતિ ડોલર સામે એ 72.91ના નવા તળિયે પહોંચી ગયો છે. રૂપિયો છેલ્લા 9 મહિનામાં 14 ટકા જેટલો તૂટ્યો છે.