ગંભીર બનતી કોલસાની તંગી, દેશની દીવાળી ન બગડે તે માટે સીએમડીએ લખ્યો પત્ર

નવી દિલ્હીઃ તહેવારમાં વીજળીની તકલીફ પડી શકે છે. કારણ કે દેશના 122 પાવર પ્લાન્ટમાં કોલસાની મોટી ઘટ વર્તાઈ છે. વરસાદ પૂર્ણ થયા બાદ પણ કોલસાની આપૂર્તિમાં સુધારો થયો નથી. કોલસા સચિવ ઈન્દ્રજિત સિંહે આના પર ચિંતા વ્યક્ત કરતા કોલ ઈન્ડિયાના સીએમડીને પત્ર લખ્યો છે.

ઈન્દ્રજિત સિંહે કોલ ઈન્ડિયાના સીએમડીને જણાવ્યું છે કે આ ખૂબ ગંભીર વીષય છે અને સ્થિતી પર કાબૂ મેળવવા માટે કોલસાના ઉત્પાદનમાં પ્રતિદિન સ્તર પર ઓછામાં ઓછા 20 લાખ ટનનો વધારો થવો જોઈએ. ચાલુ નાણાકીય વર્ષ 2018-19માં કોલસાના ઉત્પાદનનું લક્ષ્ય 65.22 કરોડ ટન છે તો કોલસાના ઓફટેકનું લક્ષ્ય 68.12 કરોડ ટન રાખવામાં આવ્યું છે. કોલસા સચિવે જણાવ્યું કે કોલ ઈન્ડિયા અને તેની તમામ સબ્સિડિયરી કંપનિઓને કોલસાના ઉત્પાદનનાં વધારા માટે તાત્કાલીક રુપથી બેઠક કરીને રણનીતિ બનાવવી જોઈએ.

કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણના રિપોર્ટ અનુસાર 122 પાવર પ્લાન્ટના કોલસાના સ્ટોકમાં સપ્ટેમ્બર માસના મુકાબલે ઘટાડો થયો છે. સપ્ટેંમ્બરમાં આ 122 પાવર પ્લાન્ટ પાસે 1.45 કરોડ ટન કોલસાનો સ્ટોક હતો જે 10 દિવસ સુધી વિજળી ઉત્પાદન માટે પૂરતો હોય છે. ઓક્ટોબર મહિનામાં આ સ્ટોક ઓછો થઈને 1.03 કરોડ ટન રહી ગયો છે અને આનાથી વધારેમાં વધારે માત્ર 6 દિવસ સુધી જ વિજળીનું ઉત્પાદન થઈ શકે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે જ્યાં સુધી કોલ ઈન્ડિયાના ઉત્પાદનનો સવાલ છે તો વર્તમાન નાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ છમાસિક ગાળામાં કોલસાના ઉત્પાદનમાં ગત વર્ષના સમાન સમયગાળાના મુકાબલે 10.6 ટકાનો વધારો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિજળીની વધારે માંગણી થવાથી કોલસા વધારે ખર્ચાઈ રહ્યા છે.