ઝુકરબર્ગનો ઘટસ્ફોટઃ અમે વાંચીએ છીએ તમારા પ્રાઈવેટ મેસેજ

વોશિંગ્ટનઃ ફેસબુકના 8 કરોડ 70 લાખ ઉપયોગકર્તાઓના પર્સનલ ડેટાની પોલિટિકલ કંસલ્ટંસી એનાલિટિકાએ ચોરી કરી છે. સોશીયલ મીડિયા જગતની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક ફેસબુકે આની પુષ્ટી કરતા જણાવ્યું કે કેંબ્રિજ એનાલિટિકા સાથે આશરે 8 કરોડ 70 લાખ ઉપયોગકર્તાઓના ડેટા ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કર્યા હતા.

કેંબ્રિજ એનાલિટિકા સાથે ફેસબુકે જે 8 કરોડ 87 લાખ લોકોના પર્સનલ ડેટા શેર કર્યા છે તેમાં મોટાભાગના લોકો અમેરિકાના રહેવાસી છે. કેંબ્રિજ એનાલિટિકાએ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપ માટે કામ કર્યું હતું. ફેસબુકના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઈક સ્ક્રોપરે એક બ્લોગ પોસ્ટ પર લખીને આ જાણકારી સાર્વજનિક કરી છે.

ભૂલ કરી છે છતા હું જ છું “રાઈટ ચોઈસ”:  ઝુકર બર્ગ

ફેસબુકે જણાવ્યું કે અમે ત્રીજી પાર્ટીની એપ્લિકેશન દ્વારા યૂઝર્સના પર્સનલ ડેટામાં ચોરીને રોકવા માટે મોટા પગલા ભરી રહ્યા છીએ. ત્યારે આ મામલે ઝુકરબર્ગે જણાવ્યું કે તમામ ભૂલો છતા પણ ફેસબુકને ચલાવવા માટે હું યોગ્ય વ્યક્તિ છું.

આપને જણાવી દઈએ કે ન્યુઝ સ્ટોરી, ચૂંટણીમાં હસ્તક્ષેપ, અને પ્રાઈવસી સાથે જોડાયેલા કૌભાંડનો માર સહન કરી રહેલી વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીને રોકાણકારો, ઉપયોગકર્તાઓ અને રાજનેતાઓના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ગત મહિને ફેસબુકે સ્વીકાર્યું હતું કે કરોડો યુઝર્સના પર્સનલ ડેટા ખોટી રીતે કેંબ્રિજ એનાલિટિકાના હાથે લાગી ગયા હતા.

ત્યારે સમગ્ર કૌભાંડને લઈને ફેસબુકના શેરો પણ સતત ગગડી રહ્યા છે. ફેસબુકના શેર 1.4 ટકા ઘટીને 153.90 પ્રતિ ડોલર પહોંચી ગયા. કેંબ્રિજ એનાલિટિકા પ્રકરણ બાદ ફેસબુકના શેરમાં 16 ટકા નરમાશ આવી હતી. ફેસબુક અને કેંબ્રિજ એનાલિટિકાના આ સંબંધો મામલે પહેલા પણ બે સમાચાર પત્રોએ રિપોર્ટ પ્રકાશીત કર્યા હતા.

કેંબ્રિજ એનાલિટિકા સાથે જોડાયેલા ઈન્વેસ્ટિગેશનમાં અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ અને લંડનના ઓબ્ઝર્વરે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 50 મિલિયન એટલેકે 5 કરોડથી પણ વધુ ફેસબુક ઉપયોગકર્તાઓના પર્સનલ ડેટા આ લીક પ્રકરણમાં પ્રભાવિત થયા હતા.

જો કે સ્ક્રોપરે એ જાણકારી નથી આપી કે ફેસબુક આ નિર્ણય પર કેવી રીતે પહોંચ્યું કે 8 કરોડ 70 લાખ ઉપયોગકર્તાઓ પ્રભાવિત થયા છે. પરંતુ તેમણે જણાવ્યું કે ફેસબુક પર એ લોકોને આ મામલે જાણકારી આપશે કે જેમનો ડેટા ખોટી રીતે કેંબ્રિજ એનાલિટિકા સાથે શેર કરવામાં આવ્યો છે.