USની ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાની કાર્યવાહી સામે ભડક્યાં EU અને કેનેડા, પડકાર ફેંક્યો

કેનેડાઃ સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા ઉત્પાદનોની આયાત પર ઉંચો ટેક્સ લગાવવાની અમેરિકાના ટ્રંપ પ્રશાસનની કાર્યવાહી વિરૂદ્ધ યુરોપીય સંઘ અને કેનેડા સહિત તેના ઘણા પ્રમુખ ભાગીદાર દેશોએ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. યૂરોપીય સંઘે પ્રથમ જવાબી કાર્યવાહીમાં અમેરિકાના નિર્ણયને વિશ્વ વ્યાપાર સંગઠનમાં પડકાર્યો છે. કેનેડા પણ અમેરિકા વિરૂદ્ધ ડબલ્યૂટીઓમાં ગયું છે.

યૂરોપીય સંઘ, કેનેડા અને મેક્સિકોએ અમેરિકી દરો વિરૂદ્ધ જવાબી કાર્યવાહી ચેતવણ પણ જાહેર કરી છે. આ કાર્યવાહીઓ અને ધમકીઓ વચ્ચે અમેરિકાએ કેટલાક દેશોના નાણાપ્રધાનો સાથે બેઠકો શરૂ કરી છે જેઓ વ્યાપારમાં તેના મોટા ભાગીદાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના વાણિજ્ય પ્રધાન વિલ્બર રોસ ત્યાં પહોંચી ચૂક્યા છે. રોસની આ યાત્રા દુનિયાની મોટી બે અર્થવ્યવસ્થાઓ વચ્ચે સંભવિત વ્યાપાર યુદ્ધને ટાળવાના પ્રયત્નોનો એક ભાગ છે.

અમેરિકાએ 24 વર્ષ જૂના ઉત્તર એટલાન્ટિક મુક્ત વ્યાપાર સમજૂતીને ભંગ કરીને ભાગીદાર દેશો સાથે દ્વિપક્ષીય સમજૂતી કરવાની સંભાવનાની ચર્ચા છેડી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પોતાના કાર્યાલય વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાફ્ટાની જગ્યાએ કેનેડા અને મેક્સિકોથી અલગ અલગ સમજૂતી કરવી વધારે સારી હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે અમેરિકાના આ બંન્ને પાડોશી દેશો ખૂબ અલગ અલગ પ્રકારના દેશ છે અને આમના માટે એક જ પ્રકારના વ્યાપારના નિયમોને લાંબા ગાળા સુધી ન રાખી શકાય.