હોર્લિક્સ, કોમ્પલાન બ્રાન્ડ્સને પોતે ખરીદી રહી હોવાના અહેવાલોને ઈમામીનો રદિયો

મુંબઈ – ભારતના FMCG ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ઈમામીએ જણાવ્યું છે કે પોતે હોર્લિક્સ અને કોમ્પલાન હેલ્થ ડ્રિન્ક બ્રાન્ડ્સને ખરીદવાની રેસમાં છે એવા અહેવાલો ખોટા છે.

એવા અહેવાલો છે કે કોલકાતા સ્થિત ઈમામી કંપની જીએસકે કન્ઝ્યૂમર હેલ્થકેરની બ્રાન્ડ હોર્લિક્સ અને ક્રાફ્ટ હેઈન્ઝની બ્રાન્ડ કોમ્પલાનના સંભવિત ખરીદારોમાંની એક છે.

તે છતાં ઈમામી લિમિટેડના ડાયરેક્ટર હર્ષ વી. અગ્રવાલે આવી કોઈ શક્યતા હોવાની વાતોને રદિયો આપ્યો છે. એમણે ઈમેલ કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે અમને આ સંભવિત હસ્તાંતરણમાં કોઈ રસ નથી.

હોર્લિક્સ અને કોમ્પલાન બ્રાન્ડ્સને ખરીદવાની રેસમાં નેસ્લે, HUL અને ITC જેવી અગ્રગણ્ય FMCG કંપનીઓ ઉતરી હોવાના અહેવાલ છે.

નેસ્લે ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ નારાયણને આ મહિને અગાઉ કહ્યું હતું કે અમારી કંપનીની વૃદ્ધિ માટે અમે કોઈ પણ ઈનઓર્ગેનિક હસ્તાંતરણની શક્યતાને નકારતા નથી.