નીરવ મોદીની 9 લક્ઝૂરીયસ ગાડીઓ અને 94 કરોડના શેર જપ્ત

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં 11 હજાર 300 કરોડ રુપીયાનો ગોટાળો કરનાર ડાયમંડ વ્યાપારી નીરવ મોદી પર તપાસ એજન્સીઓ સતત કડકાઈ અપનાવી રહી છે. ઈડી દ્વારા તેમની કંપનીઓની 9 લક્ઝુરીયસ ગાડીઓ જપ્ત કરવામાં આવી છે. આ ગાડીઓમાં 6 કરોડ રૂપીયા જેટલી કિંમતની રોલ્સ રોયલ ઘોસ્ટ કારનો પણ સમાવેશ થાય છે.

નીરવ મોદીની જે લક્ઝુરીયસ ગાડીઓને ઈડીએ જપ્ત કરી છે તેમાં રોલ્સ રોયઝ ઘોસ્ટ, બે મર્સીડીઝ બેંઝ જીએલ 350 સીજીઆઈએસ, એક પોર્શ પનામેરા, 3 હોંડા કાર, એક ટોયોટા ફોર્ચ્યૂનર અને ટોયોટા ઈનોવા ગાડીનો સમાવેશ થાય છે. રોલ્સ રોયઝ કારની કીંમત આશરે 6 કરોડ રુપીયા બતાવાઈ રહી છે. આ સીવાય ઈડીએ નીરવ મોદીના 7.80 કરોડ રુપીયાની કીમત વાળા મ્યૂચુઅલ ફંડ અને શેર પણ ફ્રીઝ કરી દીધા છે. મેહુલ ચોક્સી ગ્રુપ સાથે જોડાયેલા 86.72 કરોડ રુપીયાના શેર અને મ્યૂચુઅલ ફંડ પણ ઈડીએ ફ્રીઝ કરી દીધા છે.

સૌથી મહત્વની વાત એ છે કે હવે આ મામલે સીબીઆઈ અને ઈડીએ સેબીને કહ્યું છે કે ગીતાંજલિ જેમ્સમાં મેહુલ ચોક્સીના શેરને ફ્રીઝ કરવામાં આવે. સેબીએ બંન્ને તપાસ એજંસીઓની વાત પર NSDL અને CDSLને કહ્યું છે કે તેઓ ગીતાંજલિ જેમ્સમાં મેહુલ ચોક્સીના શેરોને ફ્રીઝ કરી દે.

મેહુલ ચોક્સીની આ કંપની શેર માર્કેટમાં લિસ્ટેડ છે. સેબીએ ભારતની બંન્ને નેશનલ ડિપોઝિટરીને કહ્યું છે કે મેહુલ ચોક્સીના શેરો હોલ્ડિંગ્સને ફ્રીઝ કરી દેવામાં આવે. પ્રાપ્ત માહિતી અનુસાર સેબી નથી ઈચ્છતુ કે ચોક્સીની કંપનીના પ્રમોટર અથવા કોઈ સંગઠન થર્ડ પાર્ટી રાઈટ્સ બનાવે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગીતાંજલી જેમ્સના પાંચ પ્રમોટરો પાસે 27.76 ટકા હોલ્ડિંગ છે જેમાં મેહુલ ચોક્સી પાસે તેનો 22.81 ટકા ભાગ છે. આની કીંમત આશરે 74.3 કરોડ રૂપીયા આંકવામાં આવી છે.