સૂરતની કંપનીની 1610 કરોડની કીમતની 6,000 હજાર ગાડીઓ જપ્ત, છેતરપિંડી કેસમાં…

નવી દિલ્હીઃ સૂરતની કંપની સિદ્ધિવિનાયક લોજિસ્ટિક્સ લિમિટેડ (SVLL) દ્વારા બેંકો સાથે છેતરપિંડી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ બેંક લોન ફ્રોડ અને મની લોન્ડરિંગના કેસમાં કંપનીની અંદાજે 1,610 કરોડની કીમતની કુલ 6 હજાર ગાડીઓ જપ્ત કરી લીધી છે. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સિદ્ધિ વિનાયક લોજિસ્ટિક્સ લિ. (SVLL)અને તેના ડાયરેક્ટર રુપચંદ બૈદની સંપત્તિને ટાંચમાં લેવા માટે પ્રોવિઝનલ ઓર્ડર જાહેર કર્યો હતો.

આ પહેલાં કંપનીના ડાયરેક્ટર રુપચંદ બૈદની બેંક ઓફ મહારાષ્ટ્ર સાથે 836.29 કરોડના લોન ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અત્યારસુધીમાં કુલ 1609.78 કરોડના 6,170 વાહનો ટાંચમાં લીધા છે તેમ ઈડીએ જણાવ્યું. જૂન, 2017માં પણ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કંપનીની 19 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

 

ઈડીએ જણાવ્યું કે CBI FIRના આધારે કંપની અને તેના ડાયરેક્ટર સામે મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે. ‘અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ખોટા દસ્તાવેજો ઉપર તેમજ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને ડ્રાઇવરોથી છુપાવીને તેમના નામ પર લોન લેવામાં આવી હતી’, તેમ ઈડીએ તેના નિવેદનમાં જણાવ્યું. ઈડીએ જણાવ્યું કે રુપચંદે બેંકો માંથી વિવિધ યોજનાઓ હેઠળ લોન મેળવી હતી જેમાં ‘ચાલક સે માલક’નો સમાવેશ થાય છે, જે અંતર્ગત તેણે નવા અને જૂના વાહનોની ખરીદી માટે કર્મચારીઓ તેમજ ડ્રાઈવરોના નામ પર લોન લીધી હતી. ઈડીએ આ ઉપરાંત જણાવ્યું કે જો કામ માટે લોન લેવામાં આવી હતી તે કામ માટે પૈસાનો ઉપયોગ થયો જ નથી.

લોનના પૈસાને સિદ્ધિવિનાયક કંપની અને તે સંબંધિત સંસ્થાઓના અકાઉન્ટની મદદથી ફેરવવામાં આવ્યા હતા અને છેલ્લે તેનો ઉપયોગ વ્યક્તિગત લાભ, કંપનીના ખર્ચા અને જૂની પેન્ડિંગ લોનને ભરપાઈ કરવા માટે કરવામાં આવ્યો. તપાસ એજન્સીએ બેંક ફ્રોડ કેસમાં ડાયરેક્ટર રૂપચંદ બૈદે મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું.

ઈડીએ તેમ પણ કહ્યું કે પહેલા કરાયેલી તપાસમાં ખુલાસો થયો હતો કે 836.29 કરોડની લોનની રકમ કંપનીના ડાયરેક્ટર રુપચંદના કહેવા મુજબ બેંકે યોજના પ્રમાણે કંપનીઓની વિવિધ સંસ્થાઓની ખરીદી માટે આપ્યા હતા.

મહત્વનું છે કે, હાલના વર્ષોમાં બેંક લોન મામલે છેતરપીંડિ અને ડિફોલ્ટરના કિસ્સાઓને ધ્યાનમાં રાખતા તપાસ એજન્સીઓ હવે ઘણુ સખ્ત વલણ અપનાવી રહી છે. બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી જેવા કારોબારીઓ દેશ છોડીને ભાગી ગયા છે.