સંકુચિત મનવાળાઓને વિકાસ દેખાતો નથીઃ મોદીનો સણસણતો જવાબ

નવી દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમની સરકારે લીધેલા આર્થિક પગલાંની ટીકા કરનારાઓને આજે જડબાતોડ જવાબ આપ્યો છે.

એમણે કહ્યું છે કે એમની સરકાર દેશની નાણાકીય સ્થિરતાને જાળવી રાખશે.

કંપનીઓનાં સેક્રેટરીઓના સંમેલનમાં કરેલા સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, હું તમને ખાતરી આપું છું કે સરકાર જે પગલાં લઈ રહી છે એ દેશને વિકાસના નવા તબક્કામાં મૂકશે.

મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ વ્યવસ્થામાં સરકાર જરૂરી ફેરફારો કરશે.

દેશના અર્થતંત્ર વિશે કરવામાં આવી રહેલી ટીકાનો જવાબ આપતાં વડાપ્રધાને કહ્યું કે, દેશનું અર્થતંત્ર મજબૂત છે, યોગ્ય પાટા પર છે અને મંદીનો કોઈ સવાલ જ નથી. જેમનું મન સંકુચિત છે એમને જ દેશનો વિકાસ દેખાતો નથી.  કેટલાક લોકોને નિરાશાવાદનો ફેલાવો કરવામાં મજા આવતી હોય છે.

મોદીએ કોઈનું પણ નામ લીધા વગર કહ્યું કે, કેટલાક લોકોને ત્યારે જ ઊંઘ આવે છે જ્યારે તેઓ ચારેબાજુ નિરાશાવાદની લાગણીનો ફેલાવો કરે છે. આપણે આવા લોકોને ઓળખી કાઢવાની જરૂર છે.

મોદીએ કહ્યું કે, ગયા એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન વિકાસ દર નીચે ગયો હતો એ અમે સ્વીકારીએ છીએ, પણ જીડીપી ગ્રોથ 5.7 ટકાથી નીચે ગયો હોય એવું આ કંઈ પહેલી વાર બન્યું નથી. યૂપીએ સરકાર વખતે આઠ વખત એવું બન્યું હતું. એપ્રિલ-જૂનમાં વિકાસ દર નીચે ગયો હતો એ ખરું, પણ સરકાર એને ઊલટાવી દેવા પ્રતિબદ્ધ છે.