‘અર્થતંત્ર મજબૂત છે, બેન્કો માટે ૨.૧૧ લાખ કરોડની યોજના’

નવી દિલ્હી – દેશમાં માળખાકીય વિકાસ, લોકોને પરવડી શકે એવી હાઉસિંગ નીતિ, બેન્કિંગ સેક્ટરને વધારે સધ્ધર બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આજે પુનરોચ્ચાર કર્યો છે. જેટલીએ આજે અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે દેશનું અર્થતંત્ર પ્રગતિના પંથે છે અને ફન્ડામેન્ટલ્સ હજી પણ એટલા જ સ્ટ્રોંગ છે.

પત્રકાર પરિષદમાં જેટલી તથા નાણાં મંત્રાલયના અધિકારીએ કરેલી જાહેરાત આ મુજબ છેઃ

– જેટલીએ જાહેરાત કરી હતી કે મોદી સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોના રીકેપિટલાઈઝેશન માટે રૂ. ૨.૧૧ લાખ કરોડની ફાળવણીને મંજૂરી આપી છે. આમાંના રૂ. ૧.૩૫ લાખ કરોડ રીકેપ બોન્ડ્સમાંથી મેળવાશે જ્યારે ૭૬,૦૦૦ કરોડ અન્ય સ્રોતોમાંથી હાંસલ કરાશે.

– દેશભરમાં ભારતમાલા યોજના અંતર્ગત 34,800 કિ.મી.ના રોડ બાંધવામાં આવશે

– ભારતમાલા યોજનાના પહેલા તબક્કામાં 2000 કિ.મી. કોસ્ટલ માર્ગો બનાવવામાં આવશે.

– આવતા પાંચ વર્ષમાં દેશભરમાં ૮૩,૬૭૭ કિ.મી.ના હાઈવેઝ બનાવવાની સરકારની યોજના છે. એને પગલે ૧૪ કરોડના રોજગાર કલાકોનું નિર્માણ થશે

– મેક્રો ઈકોનોમિક ફન્ડામેન્ટલ્સ આજે પણ અગાઉ જેટલા જ મજબૂત છે

– આપણે 4 ટકાનો ફૂગાવાનો દર પાર નહીં કરીએ.

– હાલની હિસાબી ખાધ ઘણી જ ઓછી છે. એ બે ટકાથી પણ ઓછાના દરે સુરક્ષિત રેન્જમાં છે.

– નાણાં મંત્રાલયના સુભાષ ગર્ગે કહ્યું કે, જીડીપી ગ્રોથ રેટ છેલ્લા અમુક વર્ષોમાં સરેરાશ 7.5 ટકા રહ્યો છે.

વેપારીઓને મોટી રાહત – જીએસટી રીટર્ન્સ મોડું ફાઈલ કરવા પર હવે પેનલ્ટી નહીં

અગાઉ, અરૂણ જેટલીએ ટ્વિટર પર કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું કે ગત્ ઓગસ્ટ અને સપ્ટેંબરના મહિનાઓ માટેના જીએસટી રીટર્ન્સ મોડેથી ફાઈલ કરવા પર પેનલ્ટીનો નિર્ણય સરકારે પાછો ખેંચી લીધો છે. કરદાતાઓને સરળતાભર્યું બની રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જેટલીએ કહ્યું છે કે, ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કર વ્યવસ્થા અંતર્ગત ઓગસ્ટ અને સપ્ટેંબર માટે GSTR-3B ફાઈલ કરવા પર નક્કી કરાયેલી લેટ ફી રદ કરવામાં આવી છે. જીએસટી જ્યારથી લાગુ કરાયો હતો તે ગયા જુલાઈ મહિના માટેના રીટર્ન્સ મોડા ફાઈલ કરવા પરની લેટ ફી સરકાર ક્યારની રદ કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, વેપારીઓ ઘણા વખતથી માગણી કરતા રહતા કે 3B રીટર્ન્સ મોડું ફાઈલ બદલ પેનલ્ટી વસૂલ કરવાનો નિર્ણય સરકારે રદ કરવો જોઈએ. આંકડા અનુસાર, જુલાઈ મહિના માટે 55.87 લાખ GSTR-3B રીટર્ન્સ ફાઈલ કરાયા હતા જ્યારે ઓગસ્ટ મહિના માટે 51.37 લાખ અને સપ્ટેંબર માટે 42 લાખ જણે રીટર્ન ફાઈલ કર્યું હતું.