રીલાયન્સ જિઓને મળી આર્થિક સર્વેક્ષણમાં ખાસ જગ્યા

નવી દિલ્હી– દેશનું ટેલિકોમ સેક્ટર મુશ્કેલીના દોરમાંથી પસાર થઇ રહ્યું હોવાનું સંસદમાં પેશ થયેલા દેશના ઇકોનોમિક સર્વેમાં જણાવાયું છે. રીલાયન્સ જિઓના ટેલીકોમ સેક્ટરમાં ધમાકેદાર પ્રવેશથી અન્ય કંપનીઓનું નુકસાન અને દેવું વધી રહ્યું હોવાનું પણ જણાવાયું છે.સર્વેમાં ઉલ્લેખ કરાયો છે કે ટેલીકોમ સેક્ટરમાં રેવન્યૂ ઘટી છે અને સ્પેકટ્રમની કીમત અતાર્કિક થઇ ગઇ છે. જિઓએ આપેલી ટક્કરના કારણે હરીફાઇના જમાનામાં ટેલીકોમ સેક્ટરમાં રોકાણકારો, કરજદારો, ભાગીદારો અને વેન્ડર્સ લોકો ભરોસો મૂકવામાં ખચકાયાં છે.

સર્વેમાં જણાવ્યું છે કે પાછલાં સર્વેમાં પણ કહેવાયું હતું કે ટેલીકોમ ક્ષેત્રમાં વધતું નુકસાન, દેવામાં વૃદ્ધિ, ભાવમાં જંગ, રેવન્યૂમાં કમી અને અતાર્કિક સ્પેક્ટ્રમ કોસ્ટનો દોર જોવાયો હતો. નવી એન્ટ્રી કરવાવાળી કંપનીએ લૉ ડેટા કોસ્ટ રજૂ કરતાં બજારને હચમચાવી દીધું છે અને હરીફ કંપનીઓની રેવન્યૂમાં મોટી કમી આવી છે. તેમ જ રોકાણકારોનો ભરોસો પણ પ્રભાવિત થયો છે.

સપ્ટેમ્બર 2016માં માર્કેટમાં આવેલી રીલાયન્સ જિઓ દ્વ્રારા મફત ડેટા અને વોઇશ કોલ્સ દ્વારા હરીફ કંપનીઓને ડેટાના ભાવ ઘટાડવા મજબૂર કરી દીધી છે. ડીસેમ્બર 2017 સુધીમાં જિઓના 16 કરોડ ગ્રાહક બની ગયાં છે.જિઓના સસ્તાં પ્લાનના કારણે દેશની અન્ય મોટી કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યૂલરને ઘણું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.