પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને, દિલ્હીમાં અત્યાર સુધીનું સૌથી મોંઘું ડીઝલ

નવી દિલ્હીઃ ઈંટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલમાં વધી રહેલી કીંમતોએ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં આગ લગાવી દિધી છે. આની અસર રાજધાની દિલ્હીમાં પણ જોવા મળી અને ડીઝલે આજે એક નવું રેકોર્ડ લેવલ પાર કરી લીધું. ક્રુડ ઓઈલના ભાવોમાં વધારો થવાના કારણે પેટ્રોલ, એવિએશન ફ્યુઅલ, અને કેરોસીનના ભાવમાં વધારો પણ થઈ રહ્યો છે.  

દીલ્હીમાં ડીઝલની કીંમત 60.66 રૂપીયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. પેટ્રોલના ભાવ પણ 70.53 રૂપીયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. મે 2015 બાદ ક્રુડ ઓઈલની કીંમત પોતાના ઉચ્ચતમ સ્તર 68 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. દેશના અન્ય મોટા શહેરોની જો વાત કરવામાં આવે તો મુંબઈમાં પેટ્રોલ સૌથી વધારે મોંઘુ એટલે કે 78.42 રૂપીયા અને ડીઝલ 64.48 રૂપીયા પ્રતિ લીટર મળી રહ્યું છે. કોલકતામાં પેટ્રોલ 73.27 જ્યારે ડીઝલ 63.32 રૂપીયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે. તો ચેન્નઈમાં પણ પેટ્રોલ 73.12 અને ડીઝલ 63.92 રૂપીયામાં મળી રહ્યું છે.

બજેટ પહેલા ક્રુડ ઓઈલની વધી રહેલી કીંમતો સરકાર માટે પણ માથાનો દુખાવો બની ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ક્રુડ ઓઈલ 55 ડોલર પ્રતિ બેરલ રહેવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારો થવાના કારણે પેટ્રોલ ડિઝલના ભાવો સતત વધી રહ્યા છે જેના કારણે કેંદ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેંદ્ર પ્રધાન રાજ્ય સરકારો પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. રાજ્ય સરકારો પોતાના સ્તર પર ટેક્સ ઘટાડીને આ દિશામાં પગલા ભરી શકે છે.