દેના બેન્ક, વિજયા બેન્ક, બેન્ક ઓફ બરોડાનું વિલિનીકરણ કરવામાં આવશે

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે તેના દ્વારા સંચાલિત ત્રણ બેન્ક – દેના બેન્ક, વિજયા બેન્ક અને બેન્ક ઓફ બરોડાને મર્જ કરી દેવાનો આજે નિર્ણય લીધો છે.

આ મર્જર બાદની બેન્ક દેશમાં ત્રીજા નંબરની સૌથી મોટી બેન્ક બનશે.

કેન્દ્રના નાણાકીય સેવાઓના વિભાગના સચિવ રાજીવ કુમારે આજે અહીં પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. એમની સાથે નાણાં પ્રધાન અરૂણ જેટલી પણ હતા. તેઓ દેશની આર્થિક પરિસ્થિતિ વિશે જાણકારી આપી રહ્યા હતા.

રાજીવ કુમારે કહ્યું કે અમે દેના બેન્ક, વિજયા બેન્ક અને બેન્ક ઓફ બરોડાનું વિલિનીકરણ કરવાનો નિર્ણય લીધો છે.

અરૂણ જેટલીએ કહ્યું કે બજેટ વખતે જ સરકારે જાહેરાત કરી હતી કે બેન્કોનું એકત્રીકરણ પણ અમારા એજન્ડામાં છે અને એ દિશામાંના પહેલા પગલાની જાહેરાત કરવામાં આવી છે.

જેટલીએ વધુમાં કહ્યું કે વિલિનીકરણને કારણે કોઈ પણ કર્મચારીને તકલીફ પડવા દેવામાં નહીં આવે. એ તમામને ઉત્તમ પ્રકારની સેવા પરિસ્થિતિ પ્રાપ્ત થશે.

હાલ દેશમાં ટોચની ત્રણ બેન્ક આ પ્રકારે છે. સરકાર હસ્તકની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તથા ખાનગી ક્ષેત્રની બેન્કો – એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ.