ડેબિટ અને ક્રેડિટ કાર્ડ રાખવું થઈ શકે છે મોંઘુ, વધશે ટેક્સ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન અંતર્ગત ગ્લોબલ પેમેન્ટ કંપની માસ્ટર કાર્ડ, વીઝા અને અમેરિકન એક્સપ્રેસ હવે પોતાના સર્વર ભારતમાં જ સેટઅપ કરવા જઈ રહી છે. આનાથી ભારતીયોનો ડેટા દેશમાં સુરક્ષીત રાખી શકાશે. તો આ સાથે જ આ કંપનીઓને ભારતમાં થનારી ઈનકમ પર 15 ટકા ટેક્સ આપવો પડશે. અત્યાર સુધી આ કંપનીઓને ભારતમાં છૂટ હતી કારણ કે ભારતમાં તેમને એક સ્થાયી દરજ્જો પ્રાપ્ત નહોતો. આ કંપનીઓ ભારતમાં સિંગાપુર ઓફિસથી ઓપરેટ થતી હતી જ્યારે ડેટા અમેરિકા અને આયરલેન્ડમાં સ્ટોર કરવામાં આવતા હતા.

ભારતમાં સ્થાપિત કંપનીઓથી કોર્પોરેટ પ્રોફિટ પર 30 ટકા ટેક્સ વસુલવામાં આવે છે. જો કે ગ્લોબલ પેમેન્ટ કંપની માસ્ટરકાર્ડ અને વીઝા તેમજ અમેરિકન એક્સપ્રેસ પાસેથી 15 ટકા ટેક્સ લેવામાં આવશે. આવું એટલા માટે કારણ કે ભારતની સિંગાપુર જેવા દેશો સાથે ટેક્સ સમજૂતી થઈ છે અને આ કંપનીઓ સિંગાપુરથી જ ઓપરેટ થાય છે. જો કે આ તમામ સમાચારો વચ્ચે એવા પણ સમાચાર આવ્યા છે કે આ કંપનીઓ 15 ટકા જેટલા ટેક્સનો બોજ પણ કાર્ડ હોલ્ડર પર નાંખવા જઈ રહી છે. એટલે કે આ કંપનીઓના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હોલ્ડર પાસેથી ફીઝ વસુલવામાં આવી શકે છે.