ચીન દ્વારા આઈફોનના વેચાણ પર પ્રતિબંધ, આ છે કારણ…

બેજિંગઃ ચીને પોતાના દેશમાં આઈફોનના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વાતની જાણકારી ચિપ નિર્માણ કંપની ક્વાલકોમે આપી છે. ક્વાલકોમ અનુસાર ચીને આઈફોન વેચનારી કંપની પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચિપ નિર્માતા કંપનીનું કહેવું છે કે ચીનની કોર્ટે જણાવ્યું છે કે આઈફોન 6S, 6S પ્લસ, આઈફોન 7, આઈફોન 7 પ્લસ, આઈફોન 8, આઈફોન 8 પ્લસ અને આઈફોન એક્સના વેચાણ પર રોક લગાવી દેવામાં આવે.

ક્વાલકોમેનું પણ કહેવું છે કે ચીનમાં આઈફોનની આયાત અને તેનું વેચાણ બંધ કરવાની જરુર છે. આની સાથે ક્વાલકોમના વકીલ ડોન રોસેનબર્ગે જણાવ્યું કે અમે ગ્રાહકો સાથે પોતાના સંબંધોની ગહેરાઈને મહત્વ આપીએ છીએ, ક્યારેક જ અમે સહાયતા માટે કોર્ટનો સહારો લઈએ છીએ, પરંતુ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અધિકારોની રક્ષા કરવાની આવશ્યકતામાં પણ અમને એક સ્થાયી વિશ્વાસ છે. રોસેનબર્ગે એ પણ જણાવ્યું કે એપલને ચીનની ઈટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીથી ખૂબ ફાયદો થાય છે.

કોર્ટે ક્વાલકોમના પક્ષમાં એપલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીને પ્રતિબંધ લગાવ્યા બાદ એપલના પ્રવક્તાએ જણાવ્યું છે કે ક્વાલકોમ દ્વારા ઉઠાવવામાં આવેલું આ પગલું ખૂબ હતાશાપૂર્ણ છે. એપલે જણાવ્યું છે કે ક્વાલકોમ જે પેટન્ટનો દાવો કરી રહી છે તેને આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા પહેલા જ અમાન્ય કરવામાં આવી હતી. અને અન્ય પેટન્ટ પહેલા ક્યારેય વાપરવામાં આવી નહોતી. એપલે જણાવ્યું કે અમે ક્વાલકોમને કાયદા દ્વારા જ જવાબ આપીશું. એપલે કોર્ટમાં નિર્ણય પર વિચાર કરવાની અપિલ કરી છે. આ સાથે જ ક્વાલકોમે એ પણ જણાવ્યું કે એપલ કોર્ટના નિર્ણયથી ઈનકાર કરે તો અમે એન્ફોર્સમેન્ટ ટ્રિબ્યુનલના શરણે જઈશું અને આઈફોનનું વેચાણ બંધ કરાવીશું.