ચિદમ્બરમે પણ માન્યું કે આવતાં 5 વર્ષમાં 5 ટ્રિલિયન ડોલરની થશે અર્થવ્યવસ્થા…

નવી દિલ્હીઃ પૂર્વ નાણાંપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે પણ એ વાત સ્વીકારી છે કે આવનારા પાંચ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર એટલે કે 5 લાખ કરોડ ડોલરની થઈ જશે. તેમણે કહ્યું કે આ સ્વાભાવિક રુપે થશે. તેમણે કહ્યું કે દર 6-7 વર્ષમાં અર્થવ્યવસ્થા ડબલ થઈ જાય છે. આ સાધારણ ગણિત છે અને તેમાં કોઈ મોટી વાત નથી.

તેમણે કહ્યું કે 5 ટ્રિલિયન ડોલર કોઈ ચંદ્રયાન લોન્ચ કરવા જેવી વાત નથી, આ બહુ સાધારણ ગણિત છે. રાજ્યસભામાં ચિદમ્બરમે બજેટ પર ચર્ચા દરમિયાન કહ્યું કે વર્ષ 1991માં ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર 325 અબજ ડોલરનો હતો. વર્ષ 2003-4માં આ ડબલ થઈને 618 અબજ ડોલરનો થઈ ગયો. આવનારા ચાર-પાંચ વર્ષમાં આ ફરીથી ડબલ થઈ થયો અને 1.22 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યો. સપ્ટેમ્બર 2017 સુધી આ ફરીથી ડબલ થયો અને 2.48 ટ્રિલિયન ડોલર સુધી આંકડો પહોંચી ગયો. તો આ ફરીથી આવનારા પાંચ વર્ષમાં ડબલ થઈ જશે. આના માટે કોઈ વડાપ્રધાન કે નાણાંપ્રધાનની જરુર નથી. આ કોઈ સાધારણ શાહૂકાર પણ જાણતો હશે. આમાં મોટી વાત શું છે?

તેમણે કહ્યું કે નોમિનલ જીડીપી ગ્રોથ 12 ટકા આસપાસ  છે, એટલા માટે આમાં કોઈ અચરજની વાત નથી કે આવનારા પાંચ વર્ષમાં અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલરના આંકડાને સ્પર્શ કરે. તેમણે કહ્યું કે આનાથી પણ મોટી વાત એ છે કે અર્થવ્યવસ્થા કમજોર છે. મને આશા છે કે વડાપ્રધાન અર્થવ્યવસ્થાને સંભાળવા માટે સાહસી પગલાં ભરશે. તેઓ સંચરચનાત્મક સુધાર કરશે, રોકાણને વધારવાના ઉપાયો કરશે. ભારતના જીડીપી ગ્રોથને આ વર્ષે 8 ટકા અને ત્યારબાદ 10 ટકા સુધી લઈ જવાના પ્રયત્નો કરશે.

પૂર્વ નાણાં પ્રધાન અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું કે આ વર્ષે બજેટમાં લોકોની બચત વધારવાના કોઈ ઉપાયો નથી દેખાતાં, તો પછી વિકાસ કેવી રીતે થશે?  તેમણે કહ્યું કે સરકારે રોકાણ અ નિર્યાતને વિકાસ માટે સૌથી જરુરી ગણાવ્યાં છે. પરંતુ તમે પરિવારોની બચત માટે આ બજેટમાં કોઈ ઉપાયો નથી કર્યા અને આનાથી મધ્યમ વર્ગને ખૂબ નુકસાન થવાનું છે. જો પરિવારોમાં બચત નહીં વધે તો ઘરેલુ બચતને તમે કેવી રીતે વધારશો. ઘરેલુ બચત નહીં વધે તો રોકાણ કેવી રીતે વધશે. અને આવામાં 8 ટકા વિકાસ દર ક્યાંથી લાવશો?