છત્તીસગઢમાં અદાણીને માઈનિંગ કોન્ટ્રાકટ વિરુદ્ધ આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન

દાંતેવાડા- છત્તિસગઢના દાંતેવાડામાં અદાણી ગ્રુપને મળેલા ખાણના કોન્ટ્રાક્ટ વિરુદ્ધ સ્થાનિક આદિવાસી લોકોનો ગુસ્સો હવે બહાર આવી રહ્યો છે. લોકોએ આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન શરુ કરી દીધું છે. લોકોના વધતા વિરોધને પગલે છત્તિસગઢ સરકારે હાલ ખાણકામ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડને દાંતેવાડાના બેલાદિલાના પહાડોમાં ખાણકામનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ પહાડોમાં મોટી પ્રમાણમાં આયર્ન ઓર હોવાની વાત કહેવામાં આવી રહી છે. પરંતુ છત્તીસગઢના આદિવાસી સમુદાય માટે બેલાદિલાના પર્વતો આસ્થાનો વિષય છે અને આદિવાસી સમાજ આ પર્વતોની પૂજા કરે છે. આ જ કારણ છે કે, આદિવાસી સમુદાયના લોકો માઈનિંગ કોન્ટ્રાક્ટનો વિરોધ શરુ કરી દીધો છે.

કિરાનદ્રુલમાં સ્થિત NMDC લિમિટેડના પરિસરમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ  વિરોધ પ્રદર્શન માટે એક્ઠા થયાં છે. આ વિરોધ પ્રદર્શન સંયુક્ત પંચાયત જન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે. દાંતેવાડા, સુકમા અને બીજાપુર સહિત અનેક સ્થળો પરથી લોકો પ્રદર્શન સ્થળ પર પહોંચી રહ્યાં છે.

મંગળવારે કોંગ્રેસના નેતાઓ અને આદિવાસી સમાજના સભ્યોએ સીએમ ભૂપેશ બધેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પછી ભૂપેસ બધેલે બેલાદિલાના પર્વતો પર ખાણકામને હાલ પુરતો પ્રતિબંધ લગાવી દીધો છે. સીએમ ભૂપેશ બધેલે કહ્યું કે, ખાણકામને વર્ષ 2014માં ગ્રામસભામાંથી મળેલા અનાપત્તિ પ્રમાણ પત્રની પણ તપાસ કરવામાં આવશે. આદિવાસીઓનું કહેવું છે કે, અમારા માટે આ પર્વતો પિથોરમેતા છે, જેને પિથોર રાણી પણ કહેવામાં આવે છે. આ આદિવાસીઓની દેવી છે.

બેલાદિલાના પર્વતોમાં છેલ્લા લાંબા સમયથી ખાણકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ડિપોઝિટ 13 માં અનેક મિલિયન ટન આર્યન ઓર હોવાની સંભાવના છે. આ જ કારણે આ પર્વતોને NCL એ ખાણકામ માટે વિકસિત કર્યા છે. પર્વતોને ગ્રામ સભામાંથી અનાપત્તિ પત્ર મળવા સામે લોકો સવાલો ઉભા કરી રહ્યાં છે, અને આને બોગસ ગણાવી રહ્યાં છે. હાલમાં સરકારે આ મામલે તપાસ શરુ કરી છે.

અદાણીનું કહેવું છે કે, અનાપત્તિ પત્ર મેળવવામાં તેમની કોઈ ભૂમિકા નથી. કંપનીએ ગત વર્ષે ડિસેમ્બરમાં ખાણકામનો કોન્ટ્રાક્ટ લીધો હતો. ખાણકામ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મુકવાના મામલે છત્તિસગઢના સીએમ ભૂપેશ બધેલે કહ્યું કે, NCLમાં NMDCના 51 ટકા અને CMDCના 49 ટકા શેર છે, જેથી ખાણકામ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકવાનો નિર્ણય આ બંન્ને કંપનીઓ મળીને કરી શકે છે.