આયુષ્માન ભારત યોજનાઃ ઈલાજના પૈસા ચૂકવવામાં વિમા કંપની મોડું કરશે તો થશે દંડ

નવી દિલ્હીઃ દેશના 10 કરોડ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાની સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત ઈલાજમાં ખર્ચ થયેલા પૈસા આપવામાં મોડું થવા પર કેન્દ્ર સરકારે દંડનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંતર્ગત જો કોઈ વિમા કંપનીએ દર્દીના ઈલાજ પર આવેલા ખર્ચના પૈસા હોસ્પિટલને આપવામાં મોડું કર્યું અથવા તો કોઈ આનાકાની કરી તો તેને પેનલ્ટી આપવી પડશે. આ યોજના અંતર્ગત જો કોઈ વિમા કંપની ઈલાજના પૈસા ચૂકવવામાં 15 દિવસથી વધારે સમય સુધી મોડુ કરશે તો તેને ચોક્કસપણે દંડ ભોગવવો પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઈલાજના ખર્ચ મામલે વિમા કંપની હોસ્પિટલને તેના દ્વારા કરવામાં આવેલા ઈલાજની રકમ સમય મર્યાદા અનુસાર નહી ચૂકવે તો તે દંડપાત્ર હશે અને દંડની રકમ વિમા કંપનીએ તેને સંબંધીત હોસ્પિટલને સીધી જ આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી 20 જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ એનએચપીએસ લાગુ કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે એમઓયુ સાઈન કર્યા છે.

જો કે હજી સુધી દિલ્હી, ઓડિશા પંજાબ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોએ આ યોજનાને લાગુ કરવા માટે કોઈજ રસ દાખવ્યો નથી. અત્યારે આ રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે આ યોજનાને લઈને વાત ચાલી રહી છે. સ્વાસ્થ્ય પ્રધાન જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે આ પહેલ દુનિયાનો સૌથી મોટો હેલ્થ કેર કાર્યક્રમ બની જશે કારણ કે દુનિયામાં વસ્તીની દ્રષ્ટીએ ભારત બીજા સ્થાન પર છે અને આ યોજના ભારતના સ્વાસ્થ્ય પરિદ્રશ્યને બદલી નાંખશે.