PNB બાદ આઈટીના અધિકારીઓ, ઈન્ફોસિસ સ્ટાફ અને CAનું કૌભાંડ

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે બેંકના કેટલાક અધિકારીઓ આ ષડયંત્રમાં સમાવિષ્ટ હોવાની ચર્ચા ફેલાઈ છે. ત્યારે આ મામલે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં આ જ પ્રકારનો એક મામલો સામે આવ્યો છે. સીબીઆઈ રિવાઈન્ડ ટેક્સ રિટર્ન સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં ઈન્ફોસિસ ટેક્નોલોજીના કેટલાક અજ્ઞાત કર્મચારીઓ, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના કેટલાક અધિકારીઓ અને બેંગ્લોરના એક સીએની મીલીભગત સામે આવી છે. આ મામલે નોંધાવેલી એફઆઈઆર અનુસાર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઈન્ફોસિસના કર્મચારીઓને ફાયદો પહોંચાડનારા આ કૌભાંડ વિશે જાન્યુઆરી મહિનામાં માહિતી પ્રાપ્ત થઈ હતી.

એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના કેટલાક અધિકારીઓ, ઈન્ફોસીસના કેટલાક કર્મચારીઓ અને એક સીએની મીલીભગતથી 1,010 રિવાઈન્ડ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આ લોકોએ ત્રણ એસેસમેન્ટ યરમાં ખોટા દસ્તાવેજો દ્વારા વિભિન્ન પ્રાઈવેટ કંપનીઓના 250 કરદાતાઓના રિવાઈન્ડ ટેક્સ રિટર્ન ફાઈલ કરીને ખોટી રીતે રિફંડ ક્લેઈમ કર્યા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટ્સની સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સએ આ ફ્રોડમા સમાવિષ્ટ સીએને ખોટો સાબિત કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઈ-રિટર્ન્સ પ્રોસેસ કરવાનું કામ ઈન્ફોસિસને આપ્યું છે. સીબીઆઈનું કહેવું છે કે જ્યારે સીએ રિટર્ન્સ ફાઈલ કરી રહ્યો હતો, તે સમયે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના કેટલાક અધિકારીઓ અને ઈન્ફોસિસના કેટલાક કર્મચારીઓએ આ ખોટા રિટર્ન્સને સિસ્ટમના રડારમાંથી બચાવવા માટેનું કામ કર્યું હતુ અને તેને સ્વીકૃતિ મળી ગઈ હતી. ઈન્ફોસિસના પ્રવક્તાએ જણાવ્યું કે એફઆઈઆરની કોપી જોયા વિના કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરી શકાય.