ચંદા કોચરના પતિ દીપક અને વિડીયોકોનના વેણૂગોપાલ ધૂત વિરૂદ્ધ CBI દ્વારા તપાસ

નવી દિલ્હીઃ આઈસીઆઈસીઆઈ બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચર અને વિડીયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત વિરૂદ્ધ સીબીઆઈએ એક્શન લેતાં પ્રારંભિક તપાસ આદરી છે. ચંદા કોચર પર પોતાના પતિના મિત્રની કંપનીને લોન આપવાનો આરોપ છે. વ્હિસલ બ્લોઅર અરવિંદ ગુપ્તાનું માનીએ તો એ વાતના પુરતા પુરાવા ઉપલબ્ધ છે કે આ લોનથી ચંદા કોચર અને તેમના પરિવારને મોટો લાભ થયો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રારંભિક તપાસમાં સીબીઆઈ આ આરોપની તપાસ કરશે શું વિડીયોકોનના ધૂતે આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી લોન લીધા બાદ દીપક કોચરની કંપનીને કરોડો રૂપીયા આપ્યા હતા કે કેમ? આપને જણાવી દઈએ કે વિડીયોકોનને 2012માં આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી 3 હજાર 250 કરોડ રૂપિયાની લોન મળી હતી. આ લોન કુલ 40 હજાર કરોડ રૂપીયાનો એક ભાગ હતી જેને વિડિયોકોન ગ્રુપે એસબીઆઈના નેતૃત્વમાં 20 બેંકો પાસેથી લીધા હતા.

ધૂત પર આરોપ છે કે તેમણે 2010માં 64 કરોડ રૂપીયા ન્યૂપાવર રીન્યૂએબલ્સ પ્રાઈવેટ લિમિટેડને આપ્યા હતા. આ કંપનીને ધૂતે દીપક કોચર અને અન્ય સંબંધીઓ સાથે મળીને ઉભી કરી હતી. આરોપ છે કે આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી લોન મળ્યાના 6 મહિના બાદ ધૂતે કંપનીની માલિકી દિપક કોચર અને અન્ય એક ટ્રસ્ટને 9 લાખ રૂપીયામાં ટ્રાંસફર કરી દીધી હતી.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિના પહેલા નોંધાયેલી પીઈમાં દીપક કોચર અને ધૂતનું જ નામ છે ચંદા કોચરનું નથી. જો કે પીઈમાં અજ્ઞાત બેંક અધિકારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કરપ્શન અથવા ફ્રોડ મામલે તપાસનું પ્રથમ ચરણ પીઈ હોય છે. પ્રક્રિયાનું પાલન કરતા સીબીઆઈ એ જાણવાનો પ્રયત્ન કરશે કે શું પહેલી નજરમાં એફઆઈઆર નોંધાવા લાયક મામલો છે કે નહી ?

જો તપાસમાં સામે આવ્યું કે કેસ રજીસ્ટર કરવાનો કોઈ ખાસ આધાર નથી તો સીબીઆઈ ડાયરેક્ટરના એપ્રુવલ બાદ પીઈ બંધ કરી દેવામાં આવે છે. પીઈના રૂપમાં નોંધાયેલી કોઈપણ તપાસને પૂર્ણ કરવા માટેની કોઈ સમયમર્યાદા હોતી નથી.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દીપક કોચર અને ધૂત સાથે આઈસીઆઈસીઆઈ બેંકના અજ્ઞાત અધિકારીઓને જલ્દી જ તપાસ માટે બોલાવવામાં આવી શકે છે. ચંદા કોચરને પણ સીબીઆઈ તપાસમાં બોલાવશે કે નહી એ ડોક્યુમેન્ટ્સની તપાસ બાદ જ જાણી શકાશે. સીબીઆઈએ વિડિયોકોનની કુલ 40 હજાર કરોડની લોન અને દીપક કોચર અને ધૂતની NRPLના ડોક્યુમેંટ્સ એકત્ર કરી લીધા છે.