ભારતની સી-ડેક અને ફ્રાન્સની એટોસ કંપની મળી બનાવશે ‘સુપરકમ્પ્યુટર’

0
601

નવી દિલ્હી- ભારતના સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટર અને ફ્રાન્સની આઈટી કંપની એટોસ વચ્ચે સુપરકમ્પ્યુટરના નિર્માણ માટેનો એક કરાર થયો છે. આ કરાર પ્રમાણે આ બંને કંપનીઓ મળીને ‘બુલ સેક્યુઆના’ નામનું સુપરકમ્પ્યુટર ભારતમાં જ ડિઝાઈન અને નિર્માણ કરશે. આ મહત્વના કરાર વખતે એક તરફ ભારતના આઈટી મંત્રાલયના સચિવ અજય પ્રકાશ સાહની અને ફ્રાન્સના વિદેશ પ્રધાન જ્હો યેવેસ ઉપસ્થિત રહ્યા હતા.

ફ્રાન્સના વિદેશ પ્રધાને સુપરકમ્પ્યુટરને આજની જરૂરત ગણવાની હતી અને કહ્યું હતું કે 20મી સદીમાં જે સ્થિતિ તેલની હતી એ જ 21મી સદીમાં ડેટાની છે માટે સુપરકમ્પ્યુટર અનિવાર્ય છે. આ કરારને બંને રાષ્ટ્રોની દ્વિપક્ષીય ભાગીદારી અને સંબંધો માટે પણ એમણે મહત્વના ગણાવ્યા હતા.

એટોસ કંપનીને આ કૉન્ટ્રેક્ટ 4500 કરોડ રૂપિયાની યોજના ‘નેશનલ સુપરકમ્પ્યુટર મિશન’ અંતર્ગત ફાળવવામાં આવ્યો છે. આ યોજનાનો હેતુ 70થી વધુ એડવાન્સ સુપરકમ્પ્યુટર બનાવીને વિવિધ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાનોને પૂરા પાડવાનો છે.