હવે અંગૂઠાથી થશે પેટ્રોલ-ડીઝલનું પેમેન્ટ, કેશ-કાર્ડની જંજટથી મળશે છૂટકારો

નવી દિલ્હી- આગામી સમયમાં કેન્દ્ર સરકાર દેશના પેટ્રોલ પંપો ઉપર નવી સિસ્ટમ લાગૂ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ પેટ્રોલ પંપ ઉપર ઈંધણ ભરાવવા માટે રોકડ અથવા ડેબિટ, ક્રેડિટ કાર્ડની જરુર પડશે નહીં. પેટ્રોલ પંપ ઉપર થંબ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરી શકાશે. મળતી માહિતી મુજબ આગામી બે મહિનામાં આ પ્રકારની સેવા શરુ કરવામાં આવશે. આ સેવા શક્ય બનશે ATM ઓક્સિજન મશીન દ્વારા.આપને જણાવી દઈએ કે, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આ સુવિધા માટે ઓક્સિજન માઈક્રો એજન્સી અને HDFC બેન્ક સાથે કરાર કર્યા છે. હાલમાં મધ્યપ્રદેશના શહેર ભોપાલમાં બે પેટ્રોલ પંપ ઉપર થંબ પેમેન્ટ માટે મશીન લગાવવામાં આવ્યા છે.

માઈક્રો ATM ઓક્સિજન મશીન એક પ્રકારનું પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન છે. જે રિટેલ નેટવર્ક મારફતે પૈસાની ચૂકવણી કરે છે. આ મશીન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ક્યુઆર કોડ ઉપરાંત ભીમ એપ, આધાર-પે અને યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસની સેવા સાથે સંકળાયેલું છે. આ મશીનની સેવા ચાલુ કરતી વખતે તેમાં એક વખત KYCની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.