શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 176 પોઈન્ટ ઊંચકાયો

અમદાવાદ– શેરબજારમાં બે દિવસની સુસ્તી પછી આજે નવી લેવાલી નિકળતાં મજબૂતી રહી હતી. એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટના પોઝિટિવ અહેવાલો વચ્ચે ભારતીય શેરોમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી, અને માર્કેટને સપોર્ટ મળ્યો હતો. ટાટા સ્ટીલ, ઓએનજીસી, કૉલ ઈન્ડિયા, એસબીઆઈ, ટીસીએસ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં તેજી થઈ હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 176.26(0.52 ટકા) વધી 33,969.64 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 61.60(0.59 ટકા) વધી 10,504.80 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. શરૂમાં ઉછાળે વેચવાલી ચાલુ રહેતાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ પાછા પડ્યા હતા, પણ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પોઝિટિવ રહેતાં તેજીવાળા ખેલાડીઓએ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી કાઢી હતી. અને માર્કેટ ઝડપથી ઊંચકાયું હતું. હવે કંપનીઓના ઓકટોબરથી ડિસેમ્બર સુધીના ત્રીજા કવાર્ટરના પરિણામો આવશે, આ પરિણામો ઉત્સાહજનક નહી આવે તેવી ધારણા છે. બીજી તરફ પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂ થનાર છે, ફીસ્કલ ડેફિસીટ વધીને આવી અને જીએસટી કલેક્શન ઘટ્યું હોવાથી કેન્દ્ર સરકાર બજેટમાં ઝાઝી છૂટછાટ નહી આપે, તેવી ગણતરીઓ મંડાઈ રહી છે. આથી શેરબજારમાં દરેક ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી, પણ આજે માર્કેટમાં ટેકારૂપી બાઈંગથી મજબૂતી આવી હતી.

  • બુધવારે એફઆઈઆઈએ રૂપિયા રૂપિયા 96.31 કરોડની ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 269.20 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું.
  • બુધવારે અમેરિકી સ્ટોક માર્કેટમાં ભારેખમ ઉછાળો આવ્યો હતો, ડાઉ જોન્સ 989 પોઈન્ટ ઉછળી 24,923 બંધ રહ્યો હતો, તેમજ નેસ્ડેક 59 પોઈન્ટ ઉછળી 7066 બંધ થયો હતો.
  • આજે તેજી બજારમાં ઓટો અને એફએમસીજી સેકટરના ઈન્ડેક્સ માઈનસ હતા.
  • કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ, ફાર્મા, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ સ્ટોકમાં નવી લેવાલીથી ઈન્ડેક્સ પ્લસમાં બંધ રહ્યો હતો.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 126.30 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 170.18 ઊંચકાયો હતો.
  • સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ ટાટા સ્ટીલ(3.44 ટકા), લાર્સન(3.17 ટકા), ઓએનજીસી(3.13 ટકા), ડૉ. રેડ્ડી લેબ(3.07 ટકા) અને એશિયન પેઈન્ટ્સ(2.64 ટકા).
  • સૌથી વધુ ગગડેલા શેરઃ ટાટા પાવર(-1.19 ટકા), ટાટા મોટર્સ(-0.91 ટકા), આઈસર મોટર(-0.85 ટકા), બીપીસીએલ(-0.69 ટકા) અને પાવર ગ્રીડ(-0.64 ટકા).