શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ વધુ 118 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ ભારતીય શેરોમાં નવી લેવાલી નીકળતાં બજારમાં તેજી આગળ વધી હતી. અમેરિકાની ફેડરલ રીઝર્વની બેઠકની મીનીટ્સ જાહેર થનાર છે, જે અગાઉ સાવચેતી સાથે બ્લુચિપ શેરોમાં નવી લેવાલી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 118.45(0.36 ટકા) વધી 33,478.35 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 28.15(0.27 ટકા) વધી 10,326.90 બંધ થયો હતો.

સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ જોવા મળી હતી. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ફાર્મા શેરમાં ભારે લેવાલીથી માર્કેટને સપોર્ટ મળ્યો હતો. ગોલ્ડમેન સૌક્સે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ટાર્ગેટ પ્રાઈઝ 25 ટકા વધાર્યો છે. જેને પગલે નવી ખરીદીનું આકર્ષણ જોવા મળ્યું હતું. રીલાયન્સના શેરનો ભાવ વઘીને આવતા તેનું માર્કેટ કેપ પાંચ લાખ કરોડના આંકડાને પાર કરી ગયું હતું.

  • સોમવારે એફઆઈઆઈએ રૂપિયા 358 કરોડ રૂપિયાના શેરનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 613 કરોડની ખરીદી કરી હતી.
  • આજે તેજી બજારમાં બેંક, એફએમસીજી અને પીએસયુ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહેતા તેજી થઈ હતી.
  • રોકડાના શેરોમાં સામાન્ય લેવાલી આવી હતી, બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 16.44 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 65.86 વધ્યો હતો.
  • ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન(આઈઆરએફસી) મૂડીબજારમાં આવવાની તૈયાર કરી રહી છે. કંપની આગામી મહિને સેબીમાં આઈપીઓ માટે અરજી કરશે. જાણવા મળ્યા મુજબ આઈઆરએફસીમાંથી સરકાર પાંચ ટકા અને કંપની પોતાનો 10 ટકા હિસ્સો વેચશે.