કેવું છે કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯? શું કહે છે નિષ્ણાતો ‘ચિત્રલેખા’ને…

સ્વાસ્થ્ય, શિક્ષણ અને ગ્રામીણલક્ષી બજેટઃ વિનોદ નગદિયા (સીએ)

આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં મોદી સરકારે લોકપ્રિય બજેટ આપવાની લાલચ રોકીને તેના એજન્ડા પ્રમાણે જ ગરીબના લાભાર્થે સ્વાસ્થ્ય, શિક્ષણ અને કિસાનોને ઘણી બધી રાહતો જાહેર કરી છે.

આપણા દેશમાં સરકાર તરફથી સ્વાસ્થ્ય ક્ષેત્રે ખૂબ જ નબળો દેખાવ અત્યાર સુધી રહ્યો છે અને અચાનક તેમાં ઝડપી સુધાર થઈ શકવાની શક્યતાઓ પણ ઓછી છે, ત્યારે ગરીબો માટે પાંચ લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્યના ખર્ચની જોગવાઈ ઘણું મહત્ત્વ ધરાવે છે. એજ રીતે આ વર્ષે શિક્ષણ માટે પણ એક માળખાકિય તંત્ર ઊભું કરવાની દિશામાં સરકારે સારી પહેલ કરી છે. ખેડૂતોને રવિ પાક ઉપરાંત ખરીફ પાકમાં પણ તેની લાગતના દોઢ ગણા ભાવો આપવાની જાહેરાત એ ખેડૂતો માટે ખૂબ રાહતની વાત છે.

સીધા કરવેરાની વાત કરીએ તો નોકરિયાત વર્ગને 40 હજારનું સ્ટાન્ડર્ડ ડીડકશન આપવાની જાહેરાત કરીને તેના કન્વેયન્સ એલાઉન્સ (રૂ.15,000) અને તેને મળતા મેડીકલ રી-ઈમ્બરર્સમેન્ટ (રૂ.19,200)ને સ્ટાન્ડર્ડ ડીડકશનમાં મર્જ કરીને ખરેખર તો માત્ર રૂ.5,800નો જ લાભ આપ્યો છે.

સીધા કરવેરામાં અન્ય મહત્ત્વનો ફેરફાર લાંબા ગાળાના મૂડી નફાને લગતો છે. શેર કે યુનીટના વેચાણ પર જે કોસ્ટ ઈન્ડેક્ષેશનનો વિકલ્પ રોકાણકારને મળતો હતો તેના બદલે ઉલ્ટાના લાંબાગાળાના મૂડી નફા ઉપર 10 ટકાનો કેપીટલ ગેઈન્સ ટેક્સ લાદવામાં આવ્યો છે. મૂડી નફાની ગણત્રીમાં પણ ટેકનીકલ ગૂંચવણો ઊભી થવાનો સંભવ છે. જોકે રૂ.1 લાખ સુધીના મૂડી નફાને બાકાત રાખવાને કારણે શેર બજારના નાના રોકાણકારોને ખાસ અસર થશે નહીં. કંપનીઓને મોટા લાભ આપીને રૂ.250 કરોડ સુધીની આવક ધરાવતી કંપનીઓને ટેક્સ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યો છે, જેની સારી અસર શેર બજાર પર થશે.

આ ઉપરાંત મિલ્કતોની ખરીદીમાં અને બજાર કિંમતમાં ફરક હોવાને કરાણે આવકવેરામાં બજાર કિંમત પ્રમાણે જ ગણતરી કરવાની રહે છે. આ વર્ષે થોડી છૂટછાટ આપીને એ પાંચ ટકા સુધીનો ફરક હોય તો તેને આવકવેરામાં ગણતરીમાં ન લેવાની જોગવાઈ કરીને થોડી રાહત અપાઈ છે.

વરિષ્ઠ નાગરિકો પ્રત્યે આપણા દેશમાં ઘણું દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું છે, જેમાં છેલ્લાં થોડાં વર્ષોથી સુધારો થઈ રહ્યો છે. આ વર્ષે વરિષ્ઠ નાગરિકોને તેના સ્વાસ્થ્ય અંગેના ખર્ચ પેટે રૂ.50 હજાર સુધીની છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત તેઓને બેંક ડિપોઝિટોના વ્યાજ પેટે મળતી રૂ.50 હજાર સુધીની રકમને પણ કરમુક્ત કરવામાં આવી છે અને તે પણ ટીડીએસ કાપ્યા વિના.

આમ બધી રીતે જોઈએ તો ગરીબો, વરિષ્ઠ નાગરિકો અને ગ્રામીણ કિસાનોના હિતની પરવા કરતું બજેટ છે, જે ખરા અર્થમાં સામાજિક વિકાસ તરફ દેશને લઈ જશે.