કેવું છે કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯? શું કહે છે નિષ્ણાતો ‘ચિત્રલેખા’ને…

બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબરઃ સ્નેહલ મુઝુમદાર (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)

અંદાજપત્ર 2018માં વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર છે કારણ કે ફિક્સ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ વગેરે પર મળતા વ્યાજ પર 50,000 સુધી કરમુક્તિ આપવામાં આવી છે અને તેઓ માટે મેડિક્લેઈમની પ્રીમિયમની મર્યાદા પણ વધારીને 50,000 કરવામાં આવી છે. પગારદર કરદાતા માટેની સ્ટેન્ડર્ડ ડિડક્શનની રાહત સાથે મેડિકલ ખર્ચા અને કન્વેયન્સની રાહતો રદ કરવામાં આવ્યાથી ફાયદો તો 5,800 સુધીનો જ છે.

લઘુ અને મધ્યમ કદની કંપનીઓ માટે કોર્પોરેટ કરવેરાનો દર ઘટાડીને 25 ટકા કરવામાં આવ્યો છે એ આવકારપાત્ર છે. કારણ કે વૈશ્વિક સ્તરે કોર્પોરેટ કરવેરાના દર ઘટી રહ્યા છે. અલબત્ત, આરોગ્ય ક્ષેત્રે 500 મિલિયન પ્રજાજનો માટે 5 લાખ સુધી મેડિકલ ખર્ચા અંગેની યોજના અને અન્ય જાહેરાતને અવશ્ય વધાવવી જોઈએ.

લોંગ ટર્મ કેપિટલ ગેઈન અંગેનો આ ફેરફાર અપેક્ષિત હતો પરંતુ અત્યાર સુધીના શેરના ભાવોના ઉછાળાને એમાંથી બાકાત રાખ્યો એ રાહત આપશે.

ઈ-એસેસમેન્ટનું પગલું લાંબે ગાળે હિતકારી નીવડશે કારણ કે કરદાતા અને એના કરસલાહકારને આવકવેરા ખાતાના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને પ્રત્યક્ષ મળવાનો કે સંપર્ક કરવાના પ્રસંગ નહીંવત રહેશે અને આડકતરી રીતે ભ્રષ્ટાચાર પણ મહ્દ અંશે કાબૂમાં રાખી શકાશે.