નીરવ મોદીના પ્રત્યાર્પણની અપીલ પર બ્રિટને નથી આપ્યો જવાબઃ સરકાર

નવી દિલ્હીઃ લંડનમાં નીડરતાથી ફરી રહેલા નીરવ મોદીનો વીડિયો સામે આવ્યા બાદ ભારત સરકારે કહ્યું કે નીરવ મોદીના પ્રત્યાર્પણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારને એક પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે નીરવ મોદી લંડનમાં ફરી રહ્યો છે, તો સરકાર શું કરી રહી છે? આ મામલે જવાબ આપતા રવીશ કુમારે જણાવ્યું કે ભારત સરકારે બ્રિટન સાથે નીરવ મોદીના પ્રવર્તનની અપીલ ગત દિવસોમાં કરી છે પરંતુ હજી આ મામલે વાત આગળ વધી નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે જો કોઈને એવું લાગતું હોય કે નીરવ મોદી માટે માલ્યા જેવા પ્રયત્નો નથી થઈ રહ્યા તો આ ખોટી વાત છે. સરકાર પોતાના દ્વારા તમામ મામલે એક સમાન ગંભીરતાથી પ્રયત્નો કરે છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પંજાબ નેશનલ બેંકના 13 હજાર કરોડ રુપિયા લઈને દેશ છોડનારો હીરા વ્યાપારી નીરવ મોદી લંડનમાં દેખાયો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર નીરવ મોદી ઓક્સફોર્ડ સ્ટ્રીટ નજીક એક લક્ઝરી ફ્લેટમાં રહે છે અને તેણે સોહોમાં હીરાનો નવો વ્યાપાર શરુ કર્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે સરકાર તપાસ અધિકારીઓ દવારા કોઈપણ ભાગેડુના પ્રત્યાર્પણનો આગ્રહ કરે છે. તેમણે કહ્યું કે ઈડીએ ઓગસ્ટના શરુઆતી દિવસોમાં નીરવ મોદીના પ્રત્યાર્પણ કરાવવાની અપીલ ભારત સરકાર પાસે કરી હતી. અમે આ એજન્સીના આગ્રહ પર ઓગષ્ટ મહિનામાં જ બ્રિટન સાથે સંપર્ક કર્યો હતો પરંતુ બ્રિટને હજી સુધી આના પર વિચાર કર્યો નથી. કુમારે જણાવ્યું કે બ્રિટને ભારતના આગ્રહ પર હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.