ખાનગી કર્મચારીઓ માટે ગ્રેજ્યુઇટી લિમિટ વધારાશે, સંસદમાં રજૂ થયું બિલ

નવી દિલ્હીઃ સરકારે પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીની મર્યાદા વધારવા અને વધારે મેટરનિટી લીવ આપવા માટે લોકસભામાં એક બિલ રજૂ કર્યું છે. પ્રાઈવેટ સેક્ટરમાં ગ્રેજ્યુટી લિમિટ સરકારી કર્મચારીઓની જેમ જ વધારીને 20 લાખ રૂપિયા થવાની આશાઓ છે. શ્રમપ્રધાન સંતોષ કુમાર ગંગવારે પેમેંટ ઓફ ગ્રેજ્યુટી બિલ 2017 સદનમાં રજૂ કર્યું હતું.

પેમેંટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972ને ફેક્ટરીઓ, માઈન્સ, ઓઈલફિલ્ડ, પ્લાંટેશન, પોર્ટ, રેલવે કંપનીઓ, દુકાનો અથવા તો અન્ય જગ્યાએ નોકરી કરનારા કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવ્યું હતું. આ બિલ 10 અથવા વધારે કર્મચારીઓ વાળી કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષની નોકરી પુરી કરનારા કર્મચારીઓ પર લાગુ છે. તો આ સિવાય મેટરનિટી બેનીફિટ એક્ટ 2017 દ્વારા મેટરનિટી લીવને 12 અઠવાડીયાથી વધારીને 26 અઠવાડીયા સુધીની કરી દેવામાં આવી છે.

ગ્રેજ્યુટીની રકમ નોકરીના પ્રત્યેક વર્ષ માટે 15 દિવસના વેતનના આધારે નક્કી કરવામાં આવે છે. આની વધુમાં વધુ મર્યાદા 10 લાખ રૂપીયા છે કે જે 2010માં નક્કી કરવામાં આવી હતી. કેંદ્ર સરકારના કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ થયા બાદ ગ્રેજ્યુટીની મર્યાદા 10 લાખ રૂપીયાથી વધારીને 20 લાખ રૂપીયા કરવામાં આવી છે.