સાવધાનઃ ઈનકમ ટેક્સ વિભાગના નામે આવી રહ્યાં છે ખોટા મેઈલ

નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ રીટર્ન ફાઈલ કરવાનો સમય ચાલી રહ્યો છે ત્યારે છેતરપિંડીનો ભોગ ન બનાય તેની સાવધાની રાખવા જેવી છે. મોકાનો ગેરલાભ ઉઠાવવા કેટલાક લોકો ઈન્ટરનેટ પર ખોટા મેઈલ મોકલીને કરદાતાને ફસાવવાની કોશિશમાં લાગી ગયાં છે. કરદાતાને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના મેઈલ સાથે મળતા આવતા આઈડીથી મેઈલ મોકલવામાં આવી રહ્યા છે..

 જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રિફંડ અમાઉન્ટ પ્રાપ્ત કરવા માટે પોતાની નેટબેંકિંગ ડીટેલ્સ આપો. ફ્રોડ કરનારાઓ દ્વારા જે મેઈલ આવી રહ્યા છે તેમનું આઈડી donotreply@incometaxindiafilling.gov.in છે. જ્યારે ઈનકમ ટેક્સ ડિપાપ્ટમેન્ટનું આઈડી donotreply@incometaxindiaefiling.gov.in છે

ખોટા મેઈલ આઈડી અને સાચા મેઈલ આઈડી વચ્ચે ઘણો તફાવત છે. પ્રથમ તો એ કે ખોટા મેઈલ આઈડીમાં માત્ર ફાઈલિંગ છે જ્યારે સરકારી આઈડીમાં ફાઈલિંગ પહેલા ઈ ફિલિંગ હોય છે. બીજો તફાવત સ્પેલિંગને લઈને છે. ખોટા મેઈલ આઈડીમાં (filling) લખેલું છે તેમાં (ll) છે જ્યારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના આઈડીમાં (filing) એક જ એલ છે જે હકીકતમાં સાચો સ્પેલિંગ છે.
ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા ચેતવણીઓ જાહેર કરવામાં આવે છે. તો સાથે જ ટેક્સપેયર્સને ટેક્સ્ટ મેસેજ મોકલીને પણ ઓનલાઈન ફ્રોડ મામલે સચેત કરવામાં આવે છે. આ ફ્રોડથી બચવાનો સૌથી સારો આઈડિયા એ છે કે ટેક્સપેયર્સ આ પ્રકારના સંદિગ્ધ મેઈલના જવાબ જ ન આપે અને બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડ ડીટેલ્સ શેર પણ ન કરે કારણ કે ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા આ પ્રકારની માહિતી ક્યારેય માંગવામાં આવતી નથી.

જો કે આ મામલે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર તો કોઈ ચેતવણી નથી પરંતુ સીએ અને ટેક્સ રિટર્ન તૈયાર કરનારાઓ દ્વારા વોટ્સઅપ પર ચેતવણી જાહેર કરવામાં આવી છે. વોટ્સઅપ મેસેજમાં લખવામાં આવ્યું છે કે જે લોકોને રિટર્ન ફાઈલ કર્યા બાદ ટેક્સની ગણતરીમાં ભૂલ અને રિફંડ અમાઉન્ટ મોકલવાને લઈને મેઈલ પ્રાપ્ત થઈ રહ્યા છે તેમના માટે મહત્વપૂર્ણ જાણકારી કે આ પ્રકારના મેઈલને ઈગ્નોર કરો. આ મેઈલ હેકર્સ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. આ મેઈલ પર ક્લિક કરતા જ સીધું નેટબેંકિંગ પેજ ખૂલી જાય છે અને તમે જેવી નેટબેંકિંગ સાઈટ લોગ ઈન કરશો કે તરજ તમારૂ બેંક એકાઉન્ટ હેક થઈ જશે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે ધ્યાન રાખો કે ઈનકમ ટેક્સ વિભાગ આપને મળનારા રિફંડની જાણકારી પ્રોપર નોટિસ મોકલીને કરશે.